સમાજના નામે બોલાવીને બળજબરીથી ખેસ પહેરાવવામાં આવ્યો
ગાંધીનગર :
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે રાજકીય કાવાદાવા શરૃ થયા છે ત્યારે વોર્ડ નં.૩ના કોંગ્રેસના પ્રમુખને બ્રહ્મ સમાજની મીટીંગના નામે બોલાવીને ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે. વોર્ડ પ્રમુખ આ મામલે કહયું હતું કે તેઓ હજુ કોંગ્રેસમાં જ છે અને સમાજના નામે બોલાવીને બળજબરીથી ખેસ પહેરાવવામાં આવ્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી જીવતા માટે હવે વિવિધ સમાજો સાથે રાજકીય પક્ષો દ્વારા બેઠક કરવામાં આવી રહી છે અને આ સમાજો પોતાના પક્ષ સાથે હોવાના દાવા પણ કરવામાં આવી રહયા છે ત્યારે આજે વોર્ડ નં.૩ના કોંગ્રેસના પ્રમુખ બાલકૃષ્ણ જોષી ભાજપમાં જોડાયા હોવાની યાદી જાહેર કરવામાં આવી હતી. થોડાક જ કલાકો બાદ આ વોર્ડ પ્રમુખે સોશ્યલ મીડીયામાં જણાવ્યું હતું કે તેમને બ્રહ્મ સમાજની મીટીંગના નામે બોલાવાયા હતા અને ત્યાં ભાજપના કેટલાક આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં બળજબરીથી ખેસ પહેરાવી દેવામાં આવ્યો હતો. તે હજુ પણ કોંગ્રેસમાં છે અને કોંગ્રેસની સેવા કરતા રહેશે. ભાજપે આ પ્રકારે શરૃ કરેલી રાજનીતિથી સમાજમાં પણ તેના પ્રત્યાઘાતો પડયા છે. તો બીજી બાજુ મહાનગર ભાજપના પ્રમુખ રૃચિર ભટ્ટે કહયું હતું કે બાલકૃષ્ણભાઈ ભાજપમાં જોડાવામાં આવ્યા હતા અને તેના જ કારણે પ્રદેશ નિરિક્ષકની હાજરીમાં તેમને પાર્ટીનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે કોણ રાજકારણ રમી રહયું છે તે જોવું રહયું.