આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષો અને અપક્ષોએ કોરોના કાળમાં ચૂંટણી મુલત્વી રાખવા પણ રજુઆત કરી
ગાંધીનગર :
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી કોરોના કાળમાં યોજાઈ રહી છે અને હાલ સંક્રમણ વધી રહયું છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્રારા રેલી અને સભાની મંજુરીઓ રદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ કોઈ મંજુરી આપવામાં આવશે નહીં. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષો અને અપક્ષોએ કોરોના કાળમાં ચૂંટણી મુલત્વી રાખવા પણ રજુઆત કરી છે ત્યારે ચૂંટણી તંત્ર આ મામલે હવે શું નિર્ણય કરે છે તે જોવું રહયું.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તા.૧૮ એપ્રિલે યોજાવાની છે ત્યારે આ ચૂંટણીના કારણે વસાહતીઓ ડઘાયા છે. કોરોનાનું સંક્રમણ જે પ્રકારે વધી ગયું છે તે જોતાં ચૂંટણી તંત્ર દ્વારા આજે ઉમેદવારોની બેઠક બોલાવવામાં આવી હતી અને તમામ ઉમેદવારોને કોરોના સંબંધિત ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા માટે તાકીદ કરવામાં આવી છે તો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કુલદીપ આર્યએ કોરોનાના વધતાં સંક્રમણને લઈ ચૂંટણી સંબંધિત રેલી અને સભાઓને આપેલી તમામ મંજુરીઓ રદ કરી છે અને નવી કોઈ પણ મંજુરી આપવામાં આવશે નહીં તેવું પણ જાહેર કર્યું છે. નોંધવું રહેશે કે ઉમેદવારો દ્વારા હાલ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહયો છે જે ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો સાથે તેમના વોર્ડમાં ફરી રહયા છે અને પ્રચારની સાથે કોરોનાનો પ્રસાર પણ કરી રહયા છે ત્યારે તે સંબંધે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો બીજી તરફ આમ આદમી પાર્ટી સહિત ગરવી ગુજરાત પાર્ટી અને વસાહત મહામંડળ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી કોરોના કાળને ધ્યાને લઈ મુલત્વી રાખવા માટે ચૂંટણી પંચને રજુઆત કરવામાં આવી છે. ત્યારે પંચ આ મામલે શું નિર્ણય લે છે તે જોવું રહયું. હાલ તો ઉમેદવારો કોરોનાની કોઈ જ ગાઈડલાઈનનું પાલન કર્યા વગર ચૂંટણી પ્રચાર કરી રહયા છે તેને અટકાવવા માટે કોઈ જ આયોજન હાલના તબક્કે જણાતું નથી. ગાંધીનગરમાં એક બાજુ રોકેટગતિએ કોરોના કેસ વધી રહયા છે ત્યારે ચૂંટણીમાં મતદાન નીચું રહેવાનો અંદેશો પણ વ્યક્ત કરાઈ રહયો છે.