ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રહેતા ગુજરાત માધ્ય. તથા ઉચ્ચ. માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી સામે પ્રશ્નાર્થ
ગાંધીનગર:
રાજ્યમાં કોરોનાનું કહેર વધતા 18 એપ્રિલે યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણયની સાથે જ આગામી 25 એપ્રિલના રોજ યોજાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી સામે પ્રશ્નો ઉભા થયા છે.આ ચૂંટણી યોજવા અંગે પણ શાળા સંચાલકો સહિત શિક્ષકગણમાં ગણગણાટ શરૂ થયો છે. આ ચૂંટણીને પણ મોકૂફ રાખવા ચૂંટણી અધિકારીને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે.
અગાઉ શું કરી હતી રજૂઆત ?
ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ નારણભાઇ પટેલ, ઉપાધ્યક્ષ ભાસ્કર પટેલ, પ્રમુખ જે.પી. પટેલ, ઉપપ્રમુખ ભરત પટેલ, મહામંત્રી દિનેશ ચૈધરી તથા કોષાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલની સહી સાથે રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસીંહ ચુડાસમાને ઉદ્દેશીને 31 માર્ચના રોજ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, રાજયમાં દિવસેને દિવસે કોરોનાના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. બોર્ડની મતદાન માટેની 25 એપ્રિલને રવિવાર છે. રાજય સરકારની ગાઇડલાઇન અને એસ.ઓ.પી. અન્વયે મર્યાદિત મતદાતાઓ સાથે પ્રચાર-પ્રસાર થઇ શકે તેમ છે. અને તેમાં પણ કોરોના સંક્રમિત થવાનો ભય રહ્યો છે. રાજય કક્ષાના મહામંડળો માટે બોર્ડમાં પ્રત્યેક સંવર્ગ માટે ફક્ત એક એક બેઠક હોવાથી પુરા ગુજરાતમાંથી પ્રત્યક્ષ મતદાન દ્રારા મત મેળવવાના છે. મહાનગરોમાં રાત્રિના સમયે કરફયુ અમલમાં છે. તેવા સંજોગોમાં પ્રચાર કાર્ય મુશ્કેલ બની શકે તેમ છે.
વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની ચુંટાયેલા સભ્યો માટેની મુદત 15 મહિના પહેલાં પૂર્ણ થયેલી હતી પણ એક યા બીજા કારણોસર ચુંટાયેલા સભ્યોનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. હાલમાં હોદ્દાની રૂએ સભ્યપદવાળા અધિકારીઓ, સરકાર નોમિનેટેડ સભ્યો, વિધાનસભા નિયુક્ત ધારાસભ્યો અને યુનિવર્સીટી દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ હાલમાં સભ્યપદ ધરાવે છે. જેથી બોર્ડની કાર્યવાહી ચૂંટાનારા 9 સભ્યો સિવાયની ગેરહાજરીમાં પણ ચાલી રહી છે. જેથી ત્યાં શૂન્યાવકાશ માટે કોઇ અવકાશ નથી. જેથી બોર્ડની સામાન્ય ચુંટણીઓ મોકૂફ રાખવાની જાહેરાત કરવાની વિનંતી કરી હતી. આ પત્ર બાદ પણ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
શું છે પરિસ્થિતિ ?
તાજેતરમાં ફોર્મ અમાન્ય/માન્ય કરવાની પ્રક્રિયા જ નહીં બલ્કે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ પણ પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ હાલની પરિસ્થિતિને લઇને આ ચૂંટણીમાં પણ શાળા સંચાલકો, શિક્ષકો, કારકુનો સહિત મળીને અંદાજે 1 લાખ જેટલાં મતદારો હોવાથી ચૂંટણી મોકૂફનો મુદ્દો ચર્ચાનો બન્યો છે.