રાજયમાં કોરોના સંક્રમણ વધતા અનેક મંદિરો બંધ કરાયા
ગાંધીનગર :
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં આવેલુ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર 30 એપ્રિલ સુધી હરીભક્તો માટે બંધ કરવામાં આવ્યુ છે. કોરોના સંક્રમણની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી 10 એપ્રિલ શનિવારથી 30 એપ્રિલ, 2021 શુક્રવાર સુધી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ અને તમામ હરિમંદિરોમાં દર્શન બંધ કરવામાં આવ્યા છે.
અક્ષર ધામ મંદિર પણ બંધ
અક્ષર ધામ મંદિર 9 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સોમનાથ મંદિર પણ બંધ
સોમનાથ મંદિરને પણ દર્શન માટે બંધ કરવામાં આવ્યુ છે. કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી 11 એપ્રિલ રવિવારથી અન્ય નિર્ણય ના થાય ત્યા સુધી સોમનાથ મુખ્ય મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અહલ્યાબાઇ મંદિર, શ્રીરામ મંદિર, લક્ષ્મીનારાયણ-ગીતા મંદિર, ભાલકા મંદિર, ભીડ ભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે દર્શન માટે બંધ કરવામાં આવે છે.
શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથજીની પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઇટ WWW.Somnath.org પરથી ઓનલાઇન નોંધાવી શકશે. તેમજ સુવર્ણ કળશ સહિતની પૂજા ઓનલાઇન કરાવી શકાશે, સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટ્રસ્ટી વેબસાઇટ પરથી સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાળુઓને દર્શન કરાવવામાં આવશે.