મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ બ્રહ્મલીન થયા, પાર્થિવદેહને જુનાગઢ ભારતી આશ્રમમાં સમાધિ અપાશે
ગાંધીનગર :
ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ મધ્યરાતે 2:30 કલાકે નાદુરસ્ત તબિયત હોવાને કારણે બ્રહ્મલીન થયા છે. સવારે 8:30થી 9:30 એટલે કે એક કલાક સુધી ભક્તોને સરખેજના ભારતી આશ્રમમાં તેમના અંતિમ દર્શનનો લાભ મળ્યો હતો. ત્યારબાદ તેમના નશ્વરદેહને જુનાગઢના ભારતી આશ્રમ ખાતે લઈ જવાયા છે. જ્યાં તેમને સમાધિ આપવામાં આવશે.
સરખેજ ભારતી આશ્રમ તેમજ જુનાગઢ ભવનાથ ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતીબાપુ 93 વર્ષની વયે ગઈકાલ મોડી રાત્રે 2: 30 કલાકે બ્રહ્મલીન થયા છે.મહામંડલેશ્વર ભારતીબાપુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા. તેમજ સમગ્ર ભારતના સાધુ સમાજમાં પણ તેમનુ ખુબ જ નામ હતું. ભવનાથ તમામ સાધુ સમાજના અખાડામાં પણ તેઓ પૂજનીય સંત તરીકે પૂજાતા હતા. છેલ્લે 1 મહિના પહેલા મહાશિવરાત્રી પર્વ ઉપર રાત્રિના નાગા બાવાની રવેળીમાં દર્શન આપ્યા હતા. તેમનો જન્મદિવસ સરખેજ ખાતે ઉજવવામાં આવ્યો હતો.
ભારતીબાપુનો જન્મ અરણેજ ગામમાં થયો હતો
ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો.4 જાન્યુઆરી 1965ના દિવસે તેમની દિગંબર દીક્ષા કરાઈ હતી. ત્યારબાદ 21 મે 1971ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી તેમજ 1992માં મહામંડલેશ્વર બન્યા હતા. ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિના સંદેશ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં કામ કર્યું. ભારતીબાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
ભારતી આશ્રમમાં દર્દીઓ માટે ફ્રી સારવાર અને દવાઓની સુવિધા
ભારતીબાપુ સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં આર્યુવેદ દવાઓનું ઔષધાલય ચલાવતા હતા. અહીં દર્દીઓને મફતમાં સારવાર તેમજ દવાઓ પણ આપવામાં આવતી હતી. ભારતી આશ્રમ સ્વયસંચાલીત ગુરુકુળ પણ ધરાવે છે જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ઉચ્ચશિક્ષણ આપવામાં મદદરૂમ બને છે. ભારતી આશ્રમમાં તમામ તહેવારો ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.