હાલ રાજ્યમાં ફાટી નીકળેલા કોરોનાને દર્દીઓના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહેલા રેમડેસિવીર ઈન્જેક્શનની તંગી સર્જાઈ છે. માત્ર એટલું જ નહીં, રેમડેસિવિર ઈન્જેક્શનને કારણે ભાજપના સરકાર અને સંગઠન પણ સામ સામે આવી ગયા છે. જેને પગલે 5 એપ્રિલે હાઈપાવર કમિટીની બેઠકમાં કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે રેમડેસિવિર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે સિવિલ હોસ્પિટલો, મેડિકલ કોલેજ, GMERS મેડિકલ કોલેજની સ્થાનિક જરૂરિયાત ઉપરાંત જથ્થા પૈકી શક્ય હોય એટલો રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને પણ મદદરૂપ થવા હોસ્પિટલોને પણ પડતર કિંમતે ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, સુપ્રિટેન્ડેન્ટ GMERS, સુપ્રિટેન્ડન્ટ મેડિકલ કોલેજે ખાનગી કોવિડ હોસ્પિટલોને રેમડેસિવિરની ફાળવણી સમયે દાખલ દર્દીના કેસની વિગત, દર્દીના આધારકાર્ડની નકલ અને RTPCR ટેસ્ટની નકલ જેવા ડોક્યુમેન્ટ્સ મેળવી ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રવર્તમાન ખરીદ કિંમત મુજબ રેમડેસિવિર આપવાના રહેશે.