કોરોનાના કહેર વચ્ચે આખરે 25 એપ્રિલે યોજાનાર શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ રખાઈ
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજય ચુંટણી પંચ તરફથી ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી મોકૂફ રાખવાનો હુક્મ કર્યો છે. ત્યારે આગામી 25મી એપ્રિલના રોજ યોજાનારી ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીને લઇને ગણગણાટ શરૂ થયો છે. ત્યાં સુધી કે બોર્ડની ચૂંટણી પણ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવા માટે અમદાવાદ અને વડોદરાની શાળાઓ સાથે સંકળાયેલા હોદ્દેદારોએ બોર્ડના સચિવ એવા ચુંટણી અધિકારી સમક્ષ માંગણી કરી હતી. ત્યારે હવે શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકુફ રાખવાનો નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને નવી તારીખો જાહેર કરાશે.
કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં રાજ્યના વિવિધ સંચાલક મંડળો, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ઘટક સંઘો તેમજ ઉમેદવારો દ્વારા બોર્ડની સામાન્ય ચૂંટણી હાલના પ્રવર્તમાન સંજોગોમાં મુલતવી રાખવા રજુઆતો કરવામાં આવી છે. આ સ્થિતિમાં ધોરણ 9 સુધીની સ્કૂલોમાં શિક્ષણ કાર્ય પણ બંધ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત 20 નગરોમાં રાત્રિ કર્ફ્યૂ પણ લાદવામાં આવ્યો છે. જેથી ચૂંટણી પ્રક્રિયા પર કોવિડની સ્થિતિ વિપરિત અસર કરી શકે તેમ છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લા કક્ષાના મતદાન મથકો ઉપર રોકોનારા ચૂંટણી સ્ટાફ તેમજ મતદારો એકઠા થવાના કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓને ધ્યાને લેતાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 25 એપ્રિલે યોજાનારી ચૂંટણી પ્રક્રિયાની અત્યાર સુધી પૂર્ણ થયેલ ચૂંટણી પ્રક્રિયા સિવાયની બાકી રહેલી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવે છે. ભવિષ્યમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી તારીખો જાહેર કરવામાં આવશે એમ શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.