શહેરો કરતાં ગામડામાં કોરોનાનું સંક્રમણ બમણી ઝડપે વધ્યું
ગુજરાતમાં કોરોનાનો કહેર તીવ્ર ગતિએ વધી રહ્યો છે, કોરોનાની બીજી લહેરમાં શહેરો કરતાં ગામડાંમાં કેસો વધી રહ્યા છે, એ જોતાં હવે કોરોનાએ માત્ર ચોક્કસ શહેરો જ નહીં, આખા ગુજરાતમાં ભરડો લીધો છે અને દિવસે ને દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે..માત્ર એપ્રિલના 11 દિવસમાં જ મહાનગરો કરતાં જિલ્લાઓમાં કેસો ડબલ ગતિએ વધ્યા છે, જેમાં જિલ્લાઓમાં 214 ટકા કેસ નોંધાયા છે, જેની સામે શહેરોમાં 104 ટકા કેસ થયા છે.
કોરોનાના કહેરના આંકડા પણ ગંભીર બની રહ્યા છે, જેમાં એપ્રિલના 11 જ દિવસમાં રોજેરોજના કેસોમાં 174 ટકાનો વધારો રહ્યો છે. ઝોનવાઇઝ કોરોનાના કેસોનો ગ્રોથ જોવામાં આવે તો સૌથી વધુ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ એટલે કે ગામડાંમાં 11 દિવસમાં 62માંથી સીધા 365 કેસોનો વધારો થયો છે, આ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 31 માર્ચે 162 કેસ હતા, જે વધીને 461 સુધી પહોંચી ગયા છે, મધ્ય ગુજરાતમાં 167 કેસથી વધીને 429 અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 167 કેસ વધીને 513 થાય છે. આમ, છેલ્લા 11 દિવસોમાં તો કોરોનાએ ગુજરાતનાં ગામડાંમાં ખૂબ ઝડપથી પગપેસારો કર્યો છે, એપ્રિલના કેસોની ટકાવારી મુજબ, 33 જિલ્લામાં 214 ટકા અને 8 શહેરોમાં 104 ટકા વધ્યા છે.
શહેરોની સાથે જે રીતે ગામડાંમાં કોરોનાની ગતિ વધી રહી છે. એ જોતાં કોરોનાની લહેર ખતરનાક સાબિત થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં નવા કેસોની વિગતો જોઈએ તો મહેસાણામાં 143, પાટણમાં 104, બનાસકાંઠામાં 94, સાબરકાંઠામાં 24 અને અરવલ્લીમાં 171 મળી કુલ 536 કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણામાં 59, કડીમાં 50, વીસનગરમાં 20, વિજાપુરમાં 7, વડનગર-સતલાસણામાં 2-2, ઊંઝા-બહુચરાજી-જોટાણામાં 1-1 કેસ નોંધાયા છે.
મહેસાણા જિલ્લામાં રવિવારે લેવાયેલા 732 સેમ્પલો પૈકી 143 કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, એટલે કે સેમ્પલ સામે પોઝિટિવ રેશિયો 19.53 ટકાનો રહ્યો હતો, જ્યારે મહેસાણા શહેરમાં સોમવારે કરાયેલા રેપિડ ટેસ્ટમાં 409માંથી 128ને પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. તો મહેસાણા અને વીસનગરમાં 6 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની કોવિડ ગાઇડલાઇન્સ મુજબ અંતિમવિધિ કરાઇ હતી. જોકે આરોગ્ય વિભાગના ચોપડે કોરાનાથી એકપણ મોત બતાવાયું નથી. સોમવારે 7394 લોકોને કોવિડ રસી અપાતાં કુલ રસીકરણનો આંકડો 3,39,221 થયો છે.
અરવલ્લી જિલ્લામાં જુદા જુદા સામૂહિક આરોગ્ય કેન્દ્રને પીએસસી દ્વારા 580 ઉપરાંત લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં એક જ દિવસમાં જિલ્લામાં 171 કરતાં વધુ લોકોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં હડકંપ મચી ગયો હતો. જિલ્લાના આરોગ્ય વિભાગના સેન્ટર પર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓ ધરખમ વધારો નોંધાતાં આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો હતો.