ભાજપ સરકાર કોરોનાના કપરા સમયમાં નિષ્ફળ
ભાવનગર :
ભાજપ સરકાર કોરોનાના કપરા સમયમાં નિષ્ફળ ગઈ છે અને ભાજપીયાઓ સરકારી હોસ્પિટલમાં ઈન્જેકશનની અછત ઉભી કરી પોતાની વાહ વાહી માટે લોકોના જીવન સાથે ગંદો મજાક કરી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. દવા, બેડ સહિતની દુવિધાના પ્રશ્ને આજે સોમવારે કોંગ્રેસે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓને મુશ્કેલીઓ પડી રહી છે તેના પ્રશ્ને આજે સોમવારે સવારે કોંગ્રેસ અગ્રણી-કાર્યકર કલેક્ટરને રજૂઆત કરી હતી. કોંગ્રેસે રજુઆતમાં જણાવ્યુ હતુ કે, એક વર્ષથી કોરોનાના આ માહોલ વચ્ચે આજ સુધી આ ભાજપની સરકારે કઇ સુવિધા ઉભી કરી તે લોકોને ખબર નથી. મોટી મોટી વાતો કરીને રેલવેના ડબ્બામાં બેડની વ્યવસ્થા થઇ ગઇ છે. તે રેલવેના ડબ્બા ક્યાં ગયા ? તેમજ સરકારે ભાવનગરમાં નવી કોઇ બેડ સાથેની હોસ્પિટલની વ્યવસ્થા કરેલ નથી. ફક્ત ચૂંટણી અને મોટા મોટા તાયફામાં તેમજ લોકોના માસ્કના દંડ જ રસ ધરાવ્યો છે. ભાવનગરમાં ભાજપના મોટા આગેવાનો જે સરકારમાં સ્થાન ધરાવે છે છતાં પણ આ પરિસ્થિતિમાં લોકો માટે કોઇ નવી વ્યવસ્થા કે સગવડ લાવ્યા નથી. ભૂતકાળમાં શક્તિસિંહ ગોહિલે પોતાની સરકારમાં પોતાનું રાજીનામુ આપી ભાવનગરના લોકો માટે મેડિકલ કોલેજ લાવેલા આ સમયમાં ગોહિલે વારંવાર સરકારમાં ભૂલ પરિવર્તન ના થાય તે માટેના સુચનો કરેલ પરંતુ આ સરકારે આ સુચનો પર ધ્યાન જ ના દોર્યું.
રેમેડિસીવર ઇન્જેક્શન લોકોને મળતા નથી અને મેળવવા માટે કેટલાય આધાર પુરાવા રજૂ કરવા પડે જ્યારે સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ૫૦૦૦ ઇન્જેક્શન લોકોને પોતાના પ્રચાર માટે વેચે છે. આ ઇન્જેક્શન કઇ રીતે, ક્યાંથી, કોણે આપ્યા તેની તપાસ થવી જોઇએ અને જવાબદાર સામે પગલા લેવા જોઇએ તેવી કોંગ્રેસ પક્ષની માગણી છે. આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ વહેલા મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ, વેન્ટીલેટર, ઓક્સિજન, દર્દીઓ માટે જોઇતા બેડની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માગણી છે. આ સરકાર આ કપરા સમયમાં નિષ્ફળ ગઇ છે. તો તેઓએ રાજીનામુ આપી દેવું જોઇએ અને લોકોને સલાહ આપવાનું બંધ કરી દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.
હાલની કોરોનાના કપરા સમયમાં ભાજપ સરકાર દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખે રેમેડિસીવર ઇન્જેક્શન ભાજપ ઓફિસમાંથી વિતરણ કરવાની જાહેરાત કરી અને ગુજરાતના સી.એમ.ને એ ખ્યાલ પણ નથી કે આ ઇન્જેક્શન ક્યાંથી આવ્યા ? ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં રેમેડિસીવીર ઇન્જેક્શનની ભયંકર અછત છે. તો ભાજપ કાર્યાલયમાં આ ઇન્જેક્શન વિતરણ થાય. આ ભાજપીયાઓ સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શનની અછત ઉભી કરી અને પોતાની વાહ વાહી માટે લોકોના જીવન સાથે ગંદો મજાક કરી રહ્યા છે. એક બાજુ હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટિલેટરનો પણ અભાવ છે ત્યારે આ હલકી કક્ષાના ભાજપીઓ ઇન્જેક્શનના નામે રાજકારણ કરી રહ્યા છે તેમ કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યુ હતું. લોકોના પ્રશ્ને તત્કાલ યોગ્ય પગલા લેવા કોંગ્રેસ અગ્રણી-કાર્યકરોએ માંગણી કરી હતી.