રાષ્ટ્રીય

આવતીકાલ રાત્રેથી આ રાજ્યમા લોકડાઉન જેવા નિયંત્રણો લાગૂ, ‘બ્રેક ધ ચેઇન’ અભિયાન શરૂ

મુંબઈ :

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોમાં કોઈ પણ પ્રકારની પેનિક કે અફરા-તફરીભરી સ્થિતિ ન સર્જાય તે માટે “લોકડાઉન” શબ્દનો સીધો ઉપયોગ ટાળ્યો હતો,અલબત તેમણે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હોઈ લોકડાઉન જેવા જ કડક નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં ​​ ​​જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલે રાત્રે 8 વાગ્યાથી સખત નિયંત્રણો લાગૂ થશે. આવતીકાલથી ‘બ્રેક ધ ચેઇન’ અભિયાન શરૂ થશે.​​​​​

મહારાષ્ટ્રમાં આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ અટકાવવામાં આવી છે. 15 દિવસ સુધી ફક્ત આવશ્યક સેવાઓ જ યથાવત રહેશે.બિનજરૂરી રીતે અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સમગ્ર રાજ્યમાં કલમ-144 લાગૂ રહેશે. કારણ વગર ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ રહેશે. અલબત સ્થાનિક અને અન્ય બસોની સેવા ચાલુ રહેશે. ઓટો-ટેક્સિ સેવા પણ ચાલુ રહેશે. બેન્કને લગતા કામકાજ ચાલુ રહેશે.

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ખૂબ ખતરનાક છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં 51,751 નવા કેસ નોંધાયા છે, તે ઉપરાંત 258 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો મૃત્યુ દર 1.68% થઈ ગયો છે. જોકે હાલ 32,75,224 લોકો હોમ ક્વોરન્ટિન છે અને 29,399 ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટિન છે.

CM ઉદ્ધવ ઠાકરેએ 12 લાખ શ્રમિકોને 1500-1500 રૂપિયા આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રિક્ષાચાલકોને પણ રૂપિયા 1500ની મદદ કરવામાં આવશે. આ ઉપરાંત આદિવાસીઓને પણ રૂપિયા 2000ની આર્થિક મદદ કરવામાં આવશે. રાજ્ય સરકારે કોવિડ સંબંધિત સુવિધાઓ માટે રૂપિયા 3,300 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. આ ઉપરાંત 5.50 હજાર કરોડના આર્થિક મદદનું પેકેજ તૈયાર કર્યું છે.

રાજ્યમાં પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. કોરોના વાઈરસ નિયંત્રણ બહાર થઈ ગયો છે. કોરોના માટે કરવામાં આવેલી તમામ વ્યવસ્થા ખૂબ જ ઓછી પડી રહી છે. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. મહારાષ્ટ્રમાં હોસ્પિટલો પર જબરજસ્ત દબાણ સર્જાયું છે. રાજ્યમાં ઓક્સિજનની ભારે અછત પ્રવર્તિ રહી છે. અમને અન્ય રાજ્યોમાંથી પણ ઓક્સિજન મંગાવવાની છૂટ આપવામાં આવે. કેન્દ્ર સરકાર માર્ગોની સાથે હવાઈ માર્ગો મહારાષ્ટ્રમાં ઓક્સિજન મોકલવામાં આવે. આ માટે વાયુસેનાનો ઉપયોગ કરવા અપીલ કરી. વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપી કરવામાં આવે. તેનાથી કોરોનાની લહેરને નબળી પાડી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x