વડોદરા શહેરની પરિસ્થિતિ અત્યંત નાજુક, લોકો નિયમોનું પાલન કરે : મેયર
વડોદરા :
વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ ચિંતાજનક રીતે ફેલાયુ છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે અને વિવિધ મુદ્દાઓને લઈને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઇન કોન્ફરન્સ યોજી વડોદરા શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વીડિયો કોન્ફરન્સ બાદ મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, વડોદરાની પરિસ્થિતિ અત્યંત નાજુક છે. નગરજનોને અપીલ છે કે, નિયમોનું પાલન કરે. રેમડેસિવિર ઇન્જેક્શનના ડિમાન્ડ સપ્લાયની વ્યવસ્થા ખોરવાઇ છે, પરંતુ, ત્રણ દિવસમાં પરિસ્થિતિ થાળે પડી જશે.
આ બેઠક દરમિયાન વડોદરા શહેરના મેયર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદારો તબીબો મેડિકલ સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા શહેરમાં કોવિડને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરીને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે, હાઇકોર્ટની સુચના બાદ મુખ્યમંત્રીએ વડોદરાની હોસ્પિટલોની પરિસ્થિતિની માહિતી મેળવી છે. વડોદરા તંત્રની કામગીરીથી મુખ્યમંત્રીએ સંતોષ માન્યો છે. હાલ રાત્રિ કર્ફ્યૂનું કડકાઇથી અમલ કરાશે. ભીડભાડવાળા સ્થળોએ જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ સખત પગલાં ભરશે. હાથીખાના, મંગળ બજાર જેવા ભીડભાડવાળા બજારોમાં વેપારી મંડળ સાથે મિટિંગ બાદ યોગ્ય નિર્ણય લેવાશે. ખાનગી ઓફિસ, વ્યવસાય, ઉદ્યોગોમાં 50% કર્મચારી થકી કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી છે.