માધ્યમિક શાળામાં ધો. 10 થી 12 નું શિક્ષણ કાર્ય ઓનલાઈન કરવા માંગ
ભાવનગર :
બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધો. ૧૦, ૧૧ તથા ૧૨ના વિદ્યાર્થીઓને શાળાએ ન બોલાવી ઓનલાઈન શિક્ષણ આપવા યોગ્ય સુચના આપવા તથા વર્તમાન કોવિડ મહામારીની ગંભીર પરિસ્થિતિને જોતાં શિક્ષકોને વર્કફ્રોમ હોમ આપી ઓનલાઈન શિક્ષણ આપવા બાબતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને રજુઆત કરી હતી.
વર્તમાનમાં વ્યાપક રીતે કોરોના મહામારી સમગ્ર દેશમાં ફરીથી તેનું ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળે છે. સમગ્ર રાજ્યની સંક્રમિત વ્યક્તિઓની સંખ્યાનો આંકડો ૪૦૦૦ને પાર કરી ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ પરિસ્થિતિ વિકટ બની છે. સરકાર દ્વારા ૩૦ એપ્રિલ સુધી ધોરણ એકથી નવ તથા કોલેજનું શિક્ષણ ઓનલાઈન કરવા માટેના આદેશો આ અગાઉ આપવામાં આવ્યા છે. જેમાં ધોરણ ૧૦, ૧૧, ૧૨ના વિદ્યાર્થીઓ અંગે સ્પષ્ટીકરણ થયેલ નથી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની વિદ્યાર્થીઓના હિતમાં આ મહામારીમાં ધો. ૧૦, ૧૧, ૧૨નું શિક્ષણ પણ ઓનલાઈન આપવામાં આવે તેવા આદેશો કરવા માંગ છે. આમ થવાથી સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓને એક સરખી સુચનાથી ઓનલાઈન શિક્ષણનો લાભ એક સરખો લાભ મળી શકશે. સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થી મૂલ્યાંકન પણ સરળ બનશે. શહેરી વિસ્તારને અનુલક્ષીને કરેલા ઓદશો ગ્રામ્ય વિસ્તારમાં પણ લાગુ કરવા રજુઆત થવા પામી હતી.
તદઉપરાંત વ્યાપક પ્રમાણમાં સંક્રમણને જોતાં શિક્ષકોને વર્કફ્રોમ હોમ આપવામાં આવે તો સંક્રમિત થયા સિવાય વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી શકે. આમ કરતાં શાળાના કર્મચારીઓમાં પણ સંક્રમણનું પ્રમાણ ઘટાડી શકાશે.