અમદાવાદ : ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ શરૂ, માત્ર 5 મિનિટમાં સેમ્પલ કલેક્શન
મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે દેશમાં પહેલીવાર અમદાવાદ શહેરમાં આજે બુધવારથી જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. લોકો જે રીતે ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીમાં લાઈનો લાગી હતી તેને ઓછી કરવા માટે શરૂ કરવામાં આવેલા આ કલેક્શન સેન્ટરમાં સવારથી જ લોકો ટેસ્ટ કરાવવા માટે પહોંચી ગયા હતા.
ટેસ્ટ કરાવવા આવનાર લોકોએ સૌથી પહેલા લેબ દ્વારા આપવામાં આવેલા મોબાઈલમાં QR કોડ સ્કેન કર્યો હતો. મોબાઈલમાં સ્કેન કર્યા બાદ તેઓની તમામ માહિતી સાથે રજિસ્ટ્રેશન કર્યા બાદ કાર અંદર કલેક્શન સેન્ટર પર આવી હતી. કારમાંથી નીચે ઉતર્યા વગર જ શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ PPE કીટ પહેરેલા વ્યક્તિ લીધા હતા. સવાર 8 વાગ્યાથી 50 જેટલી ગાડીઓમાં લોકો ટેસ્ટ કરવા પહોંચી ગયા હતા.. માત્ર 5 મિનિટમાં જ સેમ્પલ આપી લોકો પરત ફરતા હતા. ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી દ્વારા 10 જેટલા કલેક્શન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત વોકિંગ ટેસ્ટ સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં લોકો જાતે આવી લાઈનમાં આવીને ટેસ્ટ કરાવવા ઉભા રહ્યા હતા.
ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીના ડાયરેક્ટર ડો. સંદીપ શાહના જણાવ્યા મુજબ લેબોરેટરીમાં લોકોની લાઈનો લાગતી હતી જેથી ડો. રાજીવ ગુપ્તાએ લાઈનો ઓછી કરવા માટે ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેના માટે ન્યુબર્ગ સુપ્રાટેક લેબ સાથે સુફલામ સોફ્ટવેરના માધ્યમથી આખું કલેક્શન સેન્ટર ઉભું કરવામાં આવ્યુ છે. લોકો અહીંયા આવીને અથવા ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે. માત્ર 5થી 10 મિનિટમાં જ તેઓના સેમ્પલ કલેક્ટ કરી લેવામાં આવે છે.
આ ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટનો સેમ્પલ આપવા માટેનો સમય દરરોજ સવારે 8.00 વાગ્યાથી રાતના 8.00 વાગ્યા સુધીનો રહેશે. આ સેવાનો ઉપયોગ કરવા માટે ડ્રાઈવ થ્રુની એન્ટ્રી વખતે લોકો તેમના મોબાઈલ ફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને નોંધણી કરાવી શકશે. એકવાર તમારી નોંધણી થઈ જાય એટલે તેનો ટોકન જનરેટ થશે, જે કલેક્શન સેન્ટર ખાતે બતાવવાનો રહેશે.
- ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ માટે 5 કલેક્શન સ્ટેશનો તૈયાર કરવામાં આવેલ છે જ્યાં લોકો તેઓના RTPCR ટેસ્ટના સેમ્પલ તેઓની કારમાં બેઠા બેઠા જ આરામથી મિનિટોમાં આપી શકશે.
- ટેસ્ટ અંગેનો રિપોર્ટ 24થી 36 કલાક પછી વોટ્સએપ, એસએમએસ અથવા ઈમેઈલ દ્વારા સરળતાથી મેળવી શકાય છે.