CBSEની ધોરણ-10ની પરીક્ષાને રદ કરવામાં આવી અને ધોરણ 12ની બોર્ડની એક્ઝામ સ્થગિત રાખવામાં આવી છે
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે CBSEની ધો. 10 અને 12ની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. ધોરણ-10ની પરીક્ષાને રદ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ કરાશે. ધોરણ 12ની બોર્ડની એક્ઝામ સ્થગિત રાખવામાં આવી છે. આ પરીક્ષાને લઈને 1 જૂનના રોજ રિવ્યૂ કરાશે, જેમાં નક્કી કરાશે છે શું કરવું? પરીક્ષા લેવાવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓને 15 દિવસ પહેલાં એની જાણકારી અપાશે.
આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિક્ષામંત્રી રમેશ પોખરિયાલ નિશંક વચ્ચે બુધવાર બપોરે એક કલાક ચાલેલી બેઠક પછી લેવાયો છે. બીજી બાજુ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢ સરકારે રાજ્ય બોર્ડની પરીક્ષાઓ પાછી ઠેલવાનો નિર્ણય કરી દીધો છે.
4 મેના રોજ CBSE બોર્ડની એક્ઝામ યોજાવાની હતી
CBSEની 10માં અને 12માં બોર્ડની પરીક્ષા 4મેએ યોજાવાની હતી, પરંતુ હવે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને ધો. 10ની પરીક્ષા રદ કરાઈ છે, જ્યારે ધો. 12ની પરીક્ષા પાછી ઠેલવામાં આવી છે.
CBSE બોર્ડની પરીક્ષાઓમાં ઓછામાં ઓછા 30 લાખ સ્ટુડન્ટ્સ સામેલ થવાના હતા
આ પહેલાં ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિયેશન પણ 10માં અને 12માં બોર્ડની એક્ઝામ પાછી ઠેલવાની માગણી કરી હતી. એસોસિયેશન તરફથી શિક્ષા મંત્રાલયને ચિઠ્ઠી લખવામાં આવી હતી. CBSE બોર્ડની પરીક્ષાઓમાં ઓછામાં ઓછા 30 લાખ સ્ટુડન્ટ્સ સામેલ થવાના હતા. આ માટે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર #CancelBoardExam2021 કેમ્પેન પણ ચાલ્યું હતું.
કેજરીવાલ અને રાહુલ ગાંધીએ પણ પરીક્ષા રદ કરવાની માગ કરી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ એક દિવસ પહેલાં પરીક્ષા રદ કરવાની માગ કરી હતી. બીજી તરફ, કોંગ્રેસનેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ પરીક્ષા રદ કરવાની માગ કરી હતી.