ગાંધીનગરની આશ્કા હોસ્પિટલે માનવતા નેવે મુકી, વૃદ્ધાની લાશ માટે પરિવારને આખી રાત રઝળાવ્યો
ગાંધીનગરની સુપ્રસિદ્ધ આશ્કા હોસ્પિટલ દ્વારા માનવતા નેવે મૂકીને કોરોનાગ્રસ્ત વૃદ્ધાની લાશની અંતિમવિધિ માટે મોતનો મલાજો પણ જાળવવામાં આવ્યો ન હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વૃદ્ધાનું મોત થયાં બાદ બાકી બિલ પેટે રૂ. 2 લાખ 75 હજાર માટે પરિવારને ગઈકાલ સાંજથી આખી રાત સુધી રજળાવી આજે સવારે પૈસા ભરવાની બાંહેધરી મળ્યા બાદ લાશની અંતિમ વિધિ થવા દીધી હતી.
છેલ્લા છ દિવસથી મારા પત્નીને વેન્ટિલેટર પર રાખ્યા હતા
ગાંધીનગરના સેકટર 14 પ્લોટ નંબર 102/1 માં રહેતાં દાંતણીયા પરિવાર દ્વારા એક ઓડિયો ક્લિપ વાયરલ કરીને આશકા હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ક્લિપ વાયરલ થયાં બાદ પરિવારનો દિવ્ય ભાસ્કરે ગઈ મોડી રાત્રે જ સંપર્ક કર્યો હતો. ત્યારે વયોવૃદ્ધ કિરણભાઈએ લાચાર ભાવે જણાવ્યું હતું કે મારી 55 વર્ષીય પત્ની શર્મિલાને કોરોના પોઝિટિવ આવતા સરગાસણની આશ્કા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. છેલ્લા છ દિવસથી મારા પત્નીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
અમારા સંબંધી ડોક્ટરને બોલાવીને મેડિકલ તપાસ કરાવાની વિનંતી કરી
જેના કારણે હોસ્પિટલ પાસે મેડિકલ અપડેટ માંગવામાં આવતું હતું. પરંતુ કેટલી રજૂઆતો બાદ એકવાર મેડિકલ અપડેટ હોસ્પિટલ દ્વારા આપવામાં આવ્યું હતું. અને જણાવ્યું હતું કે સારવાર ચાલુ છે જેથી અમોએ બહારથી અમારા સંબંધી ડોક્ટરને બોલાવીને મેડિકલ તપાસ કરાવાની વિનંતી કરી હતી. પરંતુ હોસ્પિટલ દ્વારા ઘસીને ના પાડી દેવામાં આવી હતી. આશ્કા હોસ્પિટલ દ્વારા દરરોજ માત્ર બેડ પેટે રૂ. 22000 તેમજ ડોક્ટર વિઝિટના રૂ. 91000 તેમજ દવાઓ મળીને રૂ.4 લાખ જેટલું બિલ બનાવી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ચાર લાખ હોસ્પિટલની ચૂકવી દેવામાં આવ્યા છે.
હોસ્પિટલમાંથી સાંજના સમયે ફોન આવ્યો હતો કે તમારું દર્દી મૃત્યુ પામ્યું
પરંતુ મારી પત્નીની તબિયત નાજુક હોવા છતાં આશ્કા હોસ્પિટલ ધ્વારા મેડિકલ અપડેટ કે દર્દીને ટ્રાન્સફર કરવાની પરવાનગી આપવામાં ન આપતા ગઈકાલે બપોરે હોસ્પિટલ સાથે માથાકૂટ થઈ હતી. બાદમાં આશ્કા હોસ્પિટલમાંથી સાંજના સમયે ફોન આવ્યો હતો કે તમારું દર્દી મૃત્યુ પામ્યું છે અને બાકી બિલ પેટેના રૂ. 2,70,000 લેતા આવજો. ત્યારે ચાર લાખ ખર્ચો કર્યા પછી પણ પત્નીનું મોત થયા બાદ વધુ રૂ. 2,70,000 બાકી બિલ આશ્કા હોસ્પિટલ દ્વારા ભરવાનું કહેતા વયોવૃદ્ધ કિરણભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
કિરણભાઈના પરિવારમાં બે પુત્રો, બે પુત્રવધુ સહિત 6 લોકો કોરોના પોઝિટિવ
વધુમાં કિરણભાઈએ જણાવ્યું હતું કે પત્નીની લાશની અંતિમવિધિ માટે પરિવારજનો આશ્કા હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા સૌ પહેલા બિલ ભરવા જણાવ્યું હતુ. ત્યારે કિરણભાઈના પરિવારમાં બે પુત્રો, બે પુત્રવધુ સહિત 6 લોકો કોરોના પોઝિટિવ હોવાના કારણે અચાનક ટૂંકા ગાળામાં આટલી મોટી રકમ એકઠી કરવી મુશ્કેલ હોવાથી તેઓએ આશ્કા હોસ્પિટલના તંત્રને ઘણી વિનંતી કરી હતી. પરંતુ હોસ્પિટલ દ્વારા પૈસાનો આગ્રહ રાખી માનવતા નેવે મૂકી મોતનો મલાજો પણ જાળવ્યો ન હોવાથી લાચાર પરિવાર ઘરે જતો રહ્યો હતો.આજે સવારે ફરી પરિવાર લાશ લેવા ગયો તો હોસ્પિટલે કહેલું કે લાશને 12 કલાક થઈ ગયા છે તમે લાશ લઈ જાવ પૈસાનો હિસાબ પછી કરીશું .બાદમાં હોસ્પિટલે વૃદ્ધાની લાશ સોંપતા તેનાં સેકટર 30 માં અંતિમ સંસ્કાર પરિવાર કરી શક્યો હતો.આ અંગે આશ્કા હોસ્પિટલના નોડલ અધિકારી કાર્તિકભાઈએ જણાવ્યું હતું કે હોસ્પિટલનું પેમેન્ટ બાકી હતું એટલે લાશ આપી ન હતી. ગઈકાલે મોડું થઈ ગયું હતું. આજે સવારે લાશ સોંપી દેવામાં આવી છે.