ગુજરાત

મોરવા હડફની ચૂંટણીમાં Djના તાલે BJPની બાઇક રેલી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કર્યા બાદ ગુજરાત કોરોના વાયરસના ભરડામાં બરાબરનું ફસાયું હતું. આજ સ્થિતિનું નિર્માણ ફરીથી થાય તો નવાઈ નહીં. હાલ કોરોના મહામારીએ ગુજરાતને બરાબરની બાનમાં લીધી છે. લોકોને બચાવવા માટે કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું વારંવાર જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ હાલના દ્રશ્યો જે સામે આવ્યા છે જે જોયા પછી તમને રીતસર નેતાઓ પર ગુસ્સો આવી શકે છે.

ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી રદ કર્યા પછી પણ પંચમહાલ જિલ્લાના મોરવા હડફની ચૂંટણીમાં ભાજપ દ્વારા એક વિશાળ બાઈક રેલીથી પ્રચાર કરતું હોવાનું સામે આવ્યું છે. કોરોનાકાળમાં ભાજપની બાઈક રેલીથી ચારેબાજુ હોબાળો મચ્યો છે. મોરવા હડફની ચૂંટણીમાં ભાજપ દ્વારા DJના તાલે બાઈક રેલી કરીને પ્રચાર પ્રસાર કરતું હોવાનું સામે આવ્યું છે. અહીં ભાજપ કાર્યકરો રીતસર બાઈક પર રીતસર માસ્ક વગર નજરે પડ્યા છે. મોરવા હડફની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના મોરવાહડફ પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. ત્યારે ભાજપ દ્વારા મત વિસ્તારમાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી છે. ભાજપની બાઇક રેલીમાં અમુક કાર્યકરો માસ્ક નહી પહેરેલ નજરે પડ્યા હતા. કોરોનાના કહેર વચ્ચે ભાજપે બાઇક રેલી કાઢી હતી, જે શું સૂચવે છે? શું નેતાઓને કોરોના ગાઈડલાઈનના નિયમો પાળવાનો નથી હોતા? શું કોરોનાના નિયમો જનતા માટે જ બનાવવામાં આવી રહ્યા છે. અહીં ભાજપે બાઈક રેલી કાઢીને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં મંગળવારે 61 કેસ નોંધાયા છે. તો નેતાઓ અહીં લોકોના જીવન સાથે રમી રહ્યા છે. કોરોનાકાળમાં પણ ભાજપના નેતાઓ અને કાર્યકરો બાઈક રેલી યોજીને જિલ્લાના લોકો સાથે ખિલવાડ કરી રહ્યા છે. મોરવા હડફની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે ત્યારે આજે ડીજેના તાલે ભાજપની બાઈક રેલીએ લોકોને વિચારતા મૂકી દીધા છે. આજે ગુજરાતમાં માણસ પોતાની જિંદગી બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે ભાજપના નેતાઓને જાણે કોઈ ડર જ ના હોય તેમ રેલીઓ કરી રહ્યા છે. નેતાઓને કોરોનાની નહીં, પણ ચૂંટણીની પડી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x