ગુજરાતમાં પણ ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાઓ મોકુફ રખાય તેવી શક્યતા
અમદાવાદ,
સીબીએસઈ દ્વારા અંતે આજ બોર્ડ પરીક્ષાઓને લઈને મોટો નિર્ણય લેવાતા ધો.૧૦ની પરીક્ષા કેન્સલ કરી દેવાઈ છે અને ધો.૧૨ની પરીક્ષા જુન સુધી મોકુફ કરી દેવાઈ છે ત્યારે હવે ગુજરાત સરકાર પણ સ્ટેટ બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ મોકુફ કરે તેવી પુરી શક્યતા છે.જો કે થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ પરીક્ષાઓ કડક ગાઈડલાઈન સાથે નિયત કાર્યક્રમ મુજબ જ લેવાશે તેવી જાહેરાત કરી હતી.
દેશમાં હાલ મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે ત્યારે હાલ મહારાષ્ટ્ર સહિતના ૭થી૮ રાજ્યોએ ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ મોકુફ કરી દીધી છે. જ્યારે આજે સીબીએસઈ દ્વારા પણ ધો.૧૦ની પરીક્ષા મોકુફ કરવાની જાહેરાત કરી દેવાઈ છે. ગુજરાત સરકારે હજુ સુધી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા બાબતે કોઈ નિર્ણય લીધો નથી. આ વર્ષે ગુજરાત બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષા માટે ૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને બોર્ડની પરીક્ષા ગુજરાતમાં ૧૦મેથી શરૃ થનાર છે.જે રીતે ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે અને મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે તે જોતા હેવ ૧૦મી મેથી બોર્ડ પરીક્ષાઓ લેવાય તેવુ લાગતુ નથી.અન્ય રાજ્યો અને સીબીએસઈ બાદ ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પણ મોકુફ કરી દેવાશે અને આ બાબતે થોડા દિવસમાં સરકાર નિર્ણય પણ લઈ લેશે.
જો કે બે દિવસ પહેલા જ સરકારે કોવિડની કડક ગાઈડલાઈન સાથે રાબેતા મુજબ બોર્ડ પરીક્ષાઓ લેવા અને પરીક્ષા મોકુફ નહી કરવા જણાવ્યુ હતુ. પરંતુ હવે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સ્કૂલો સાથે રાષ્ટ્રીય સ્તરે દબાણ વધ્યુ છે અને અન્ય પાડોશી રાજ્યોએ પણ પરીક્ષાઓ મોકુફ કરી દેતા હવે ગુજરાતે પણ આ દિશામા આગળ વધુ પડશે. આવતીકાલે કેબિનેટ મીટિંગ મળનારી છે તેમાં આ બાબતે ચર્ચા બાદ નિર્ણય લેવાય તેવી સંભાવના છે.મળતી માહિતી મુજબ સરકાર થોડા દિવસ રાહ જોવે અને ત્યારબાદ પરીક્ષાઓ બાબતે નિર્ણય લે તેવી પણ ચર્ચા છે. જો કે ગુજરાતમાં સીબીએસઈની જેમ ધો.૧૦ની પરીક્ષા રદ કરી શકાય તેમ નથી.કારણકે લાખોની સંખ્યામાં ધો.૧૦ના વિદ્યાર્થીઓ હોય છે અને અનેક વિદ્યાર્થી રીપીટર હોય છે ત્યારે અગાઉની સ્કૂલ લેવલની પરીક્ષાઓના આધારે પરિણામ તૈયાર કઈ રીતે કરવુ તે મોટો પ્રશ્ન છે ઉપરાંત આઠ મહાનગરોમાં પ્રથમ પરીક્ષા સ્કૂલમાં લેવાઈ પણ નથી.પ્રાથમિક તબક્કે તો ધો.૧૦ની જ પરીક્ષા મોકુફ કરી માત્ર ૧૨ સાયન્સની પરીક્ષા રાબેતા મુજબ અથવા થોડા દિવસ પાછી ઠેલી મેમાં જ લઈ લેવા પણ વિચારણા છે.કારણકે ધો.૧૨ સાયન્સમાં ૧.૪૦ લાખ વિદ્યાર્થી હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા લેવાઈ શકે.