ગુજરાત

આલિયાબેટમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નહીં

કોરોનાના બીજા વેવ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાનો 22000 હેકટરમાં રહેલા આલિયાબેટ પર વસતા 500 જાટ લોકોમાં કોરોનાના 1 કદમની પણ દસ્તક થઈ નથી. ખંભાતના અખાતના નર્મદાના સંગમસ્થાને આવેલા વિશાળ અવાવરું બેટ પર આઝાદીના 74 વર્ષ પછી પહેલીવાર આ પંચાયતો ની ચૂંટણીમાં 230 મતદારો માટે મતદાન મથક ઉભું કરાયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમ્યાન અહીંના 204 મતદારોએ પહેલીવાર બેટ પર મત આપ્યો હતો.

વર્ષો પહેલાં કચ્છથી આવેલા જટ લોકોની વસ્તીનું ગામ
આઝાદીના આટલા વર્ષોમાં તેઓ વિકાસથી હજી પણ વંચિત છે, અહીં વિકાસે હજી સુધી પગ નહીં મુકવા સાથે કાતિલ કોરોનાની પણ પગ મુકવાની હિંમત થઈ નથી. આધુનિક જમાનામાં પણ જટ કોમના લોકો પાયાની સુવિધાઓથી વંચિત છે. સૈકા પૂર્વે કચ્છથી પાણી અને ઘાસચારાની શોધમાં હિજરત કરી ગયેલા જટ કોમના લોકો અવાવરું આલિયા બેટ પર આલ નામના ઘાસના કારણે પશુઓ માટે અનુકૂળ જગ્યા હોવાથી વસ્યા હતા. જેમની વસ્તી આજે 500થી વધુ છે. તેમની પાસે 1000થી વધુ દુધાળા પશુ અને 600 ઊંટ છે.

સોલાર પેનલથી ગામમાં વીજળી પહોંચે છે
ગામડાઓમાં દૂધનું વેચાણ તેમની મુખ્ય આજીવિકા છે. સ્થાનિકો 9 મહિના ખુબ જ મુશ્કેલ ગણાતા રસ્તા મારફતે હાંસોટ સાથે જોડાય છે જયારે ચોમાસામાં 3 થી 4 મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો રહે છેસ્થાનિકો પાસે સંપર્ક માટે રસ્તા નથી, ગામમાં વીજળી સોલાર પેનલથી ગામ લોકો દ્વારા જાતે મેળવાય છે. મોબાઈલ નેટવર્ક જૂજ વિસ્તારમાં મળે છે. સ્થાનિકો જે વાસણોમાં દૂધ વેચવા જાય છે તેમાં વળતા પાણી ભરી લાવે છે અને તેનો ઉપયોગ પીવા માટે કરે છે. નદી કિનારે વસ્યા હોવા છતાં નર્મદા ડેમના નિર્માણ બાદ ડાઉન સ્ટ્રિમમાં પાણી ઓછું વહેવાથી પાણી ખારા થયા છે.

બેટ પર કોરોનાની દસ્તક કેમ નહીંં, શું કહી રહ્યા છે સ્થાનિકો
સ્થાનિક અગ્રણી મહમદ જતે જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે પરંતુ અહીં વિકાસ નહિ હોવા સાથે કોરોના નો પગ પેસરો પણ થયો નથી. હાલ પણ સ્થાનિકો બદતર જીવન જીવી રહ્યા છે. પાણી , રસ્તા અને વીજળી સહિતના મોરચે સ્થાનિકો તંત્રની મદદના ઈન્તેજારમાં છે. ગામમાં એક શાળા છે. ધોરણ 1 થી 8 માટે જેમાં 50 જેટલા બાળકોને અંકલેશ્વરના શિક્ષક પોતાનું ઘર અને પરિવાર છોડી બાળકોના ભવિષ્ય માટે આલીયાબેટમાં સ્થાયી છે.

બેટમાં પ્રવેશેના નિયમો

  • બેટ પરથી જરૂર વગર કોઈએ બહાર જવું નહીં
  • બહારથી કોઈ પણ વ્યક્તિને આવવા દેવી નહિં
  • દૂધ આપીને યુવાનો હાંસોટ, અંકલેશ્વર અને ભાડભુતથી પરત ફરે એટલે કોઇના સંપર્કમાં ન આવે
  • સ્નાન કરી સ્વચ્છ અને સેનેટાઈઝ થવું.
  • 100 ઘરોના કોઈ પણ કુટુંબના લોકોને બેટ પર માસ્ક પહેરવાની જરૂર પડતી જ નથી. યુવાનોને બહારની ખાણી પીણી પર રોક.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x