અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં ICUનાં માત્ર 25 બેડ અને 4 જ વેન્ટિલેટર જ ખાલી
શહેરમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે નવો રેકોર્ડ સર્જી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 2491 કેસ નોંધાવાની સાથે 24 દર્દીનાં મૃત્યુ નીપજ્યાં હતાં. કેસ વધવાની સાથે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ખાનગી હોસ્પિટલમાં આઈસીયુનાં માત્ર 25 બેડ અને 4 વેન્ટિલેટર સાથે કુલ 355 બેડ જ બચ્યાં છે. બીજી બાજુ કોર્પોરેશને યુદ્ધના ધોરણે જૂની વીએસ, શારદાબહેન અને એલજીને કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે. આ ત્રણેય હોસ્પિટલ મળી કુલ 1770 બેડનો વધારો થયો છે. કેસ વધવાની સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે. બીજી બાજુ વેક્સિન લેનારાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બુધવારે 14,135 લોકોએ રસી મુકાવી હતી.
કોરોનાના કેસ વધવાની સાથે સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે. જાન્યુઆરીમાં 45, ફેબ્રુઆરીમાં 18 અને માર્ચ મહિનામાં 43 દર્દીના મૃત્યુ થયા હતા. આમ ત્રણ મહિનામાં કુલ 106 દર્દીના મૃત્યુ નીપજ્યા હતા. જેની સામે એપ્રિલના 14 દિવસમાં 154 દર્દીના મૃત્યુ છે. શહેરમાં કોરોનાના દર્દીઓ ઘટવાનું નામ નથી લઈ રહ્યાં તેથી ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકારી હોસ્પિટલો બાદ હવે ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ ભરાઈ રહ્યાં છે. કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલોમાં આઈસીયુ વીથ વેન્ટિલેટરના 418માંથી 414 પર દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં, માત્ર ચાર વેન્ટિલેટર ઉપલબ્ધ હતા.
બીજી બાજુ મ્યુનિ.એ જૂની વીએસમાં 500, શારદાબહેનમાં 620 અને એલજીમાં 850 બેડ વધાર્યા છે. મ્યુનિ. ભાજપના કાર્યાલય મંત્રી પ્રશાંત કાપડીયાનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. આ ઉપરાંત કોંગ્રેસના બે કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી સહિત બેને કોરોનાનો ચેપ લાગ્યો છે. શહેરમાં વેક્સિન લેનારાની સંખ્યા સતત ઘટી રહી છે. બુધવારે કુલ 14,135એ રસી લીધી હતી. જેમાં 7828 પુરુષ અને 6307 મહિલાનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાં પણ 35 કેસ નોંધાવાની સાથે એક દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું.