ગુજરાતીઓ ચેતજો : રાજ્યમાં મે મહિનામાં રોજના 16થી 20 કોરોનાના કેસ આંબી શકે છે.
ગુજરાતમાં ગુરુવારે કોરોનાના નવા કેસની સંખ્યા 8,152 પર પહોંચી છે, જ્યારે ભારતમાં આ આંકડો બે લાખને પાર પહોંચ્યો છે. ગુજરાત સરકારની ટાસ્કફોર્સના સભ્ય અને વરિષ્ઠ તબીબ ડો. વી. એન. શાહ જણાવે છે કે આ આંકડો મેના પ્રથમ સપ્તાહ દરમિયાન ભારતમાં 4થી 4.5 લાખ પર અને એની સાપેક્ષે ગુજરાતમાં હાલના કેસની સરખામણીએ રોજના 16થી 20 હજાર કેસને આંબી શકે છે. ડો. શાહે જણાવ્યું હતું કે ગુરુવારે જ કેન્દ્ર સરકારની કમિટી અને વરિષ્ઠ તબીબો સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું છે કે ભારતમાં ત્રણ સપ્તાહમાં કેસ બમણાથી અઢી ગણા થઈ જશે
21મી તારીખ સુધીમાં સંક્રમણ વધે એવી શક્યતા
વર્તમાન સપ્તાહ ખૂબ સંવેદનશીલ સાબિત થઇ શકે છે; આવનારી 21 તારીખ સુધીમાં ભારતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું હશે એવું કોરોનાની પીકનો ગાણિતિક અભ્યાસ કરનારા તજજ્ઞોએ પણ જણાવ્યું હતું. જોકે આ ગણિતજ્ઞો મે મહિનાના અંત સુધીમાં સ્થિતિ સુધરશે એવું પણ જણાવે છે. ડો શાહ જણાવ્યું હતું કે કોરોનાના નિયંત્રણ માટે હર્ડ ઇમ્યુનિટી જ ઇલાજ છે. 70 ટકા લોકોમાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઇ હોય તો જ શક્ય બને. માત્ર રસીકરણથી વધુ સરળ રીતે થઇ શકે છે, તેથી તમામ સરકારોએ રસીકરણ ખૂબ ઊંચું લઇ જવું પડશે.
જો કેસ આટલા વધશે તો USનો રેકોર્ડ તૂટશે
અત્યારસુધીમાં અમેરિકા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સૌથી વધુ એક જ દિવસમાં 3 લાખ નવા કેસ નોંધાવા સાથે વિશ્વમાં મોખરે રહ્યું છે. જો ભારતમાં 4થી 4.5 લાખ કેસ રોજના નોંધાય તો અમેરિકાનો રેકોર્ડ તૂટી જશે. હાલ ભારતમાં રોજના જે કેસ નોંધાય છે એ અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ વધુ છે. આ રાષ્ટ્રોમાં કોવિડના દૈનિક કેસો અમુક હજારોની સંખ્યામાં જ છે.
હજુ ત્રીજું વેવ પણ આવી શકે
ડો. શાહના મતે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં સંક્રમણ નહિવત્ હતું, પરંતુ અચાનક ઉછાળો આવ્યો, કારણ કે લોકો નિશ્ચિંત થઇને વર્ત્યા હતા. હજુ વિશ્વ આરોગ્ય સંસ્થા હુના તજજ્ઞો ત્રીજા વેવનું ભવિષ્ય ભાંખી રહ્યા છે.