કોંગ્રેસનેતા હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી
રાજ્યમાં ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં રોજ રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ ઈન્જેક્શનોનું કોંગ્રેસ દ્વારા મફત વિતરણ કરવાની તથા સરકાર દ્વારા શ્વેતપત્ર જાહેર કરવામાં આવી એવી માગણી કરાઈ હતી. ત્યારે આજે કોંગ્રેસનેતા હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી છે.
કોંગ્રેસ પાસે 65 MLA છે, અમને પણ કામ બતાઓ
હાર્દિક પટેલે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે તો અમને પણ કામ બતાઓ, જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશું. લોકો ખૂબ જ તકલીફમાં છે, અભિમાન છોડો અને જનતાનું વિચારો.
અમદાવાદ-સુરતમાં કોંગ્રેસ શરૂ કરશે કોવિડ કેર સેન્ટર
રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યાં છે. એવામાં હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવા માટે સરકારને ભલામણ કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ આજે પ્રેસ-કોન્ફરન્સ કરીને કે જાહેરાત કરી હતી કે સુરત અને અમદાવાદમાં બે નવાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ભલામણ કરાઈ છે. અમદાવાદમાં પાલડી રાજીવ ગાંધી ભવન, ચોથા માળે 50 બેડ ઊભાં કરવા કોંગ્રેસ તૈયાર છે.
રેમડેસિવિર ઈન્જેક્શન ગરીબોને મફત આપશે
તેમણે વધુમાં કહ્યું હતું કે માત્ર સરકાર મંજૂરી આપે, કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસે જિલ્લા કાર્યાલયમાં પણ કોવિડ કેર સેન્ટર ઊભાં કરવા સરકારને ભલામણ કરી છે. તેમણે સાથે એમ જણાવ્યું હતું કે કોંગ્રેસ તમામ કાર્યાલય વિનામૂલ્યે આપવા તૈયાર છે.’ ઈન્જેક્શન પર સી.આર પાટીલનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે અમુક લોકો ઈન્જેક્શનો લઈ લોકોને દબાવી રહ્યા છે અને પોતાનો રાજકીય લાભ પાર પાડી રહ્યા છે. કોંગ્રેસ પક્ષને 10 હજાર ઇન્જેક્શન આપવામાં આવે, કોંગ્રેસ ગામગામે સુધી નિઃશુલ્ક આ ઇન્જેક્શન હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરો દ્વારા આપશે, સાથે જ અમે એન્ટિજન ટેસ્ટ માટે ડોમ બનાવવા માટે તૈયાર છીએ. કોંગ્રેસ ડોમનો ખર્ચે ઉપાડવા તૈયાર છે.
“ગુજરાત આજે રામ ભરોસે જીવી રહ્યું છે”
પોતાની પ્રેસ-કોન્ફરન્સમાં અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે સરકાર કોરોનાના કેસનો આંકડો છુપાવવાનો પ્રયાસ કરે છે. કેટલાં બેડ ખાલી છે, કેટલી હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટ છે એની માહિતી સરકાર જાહેર કરે. સરકાર માત્ર ઉત્સવમાં વ્યસ્ત રહી છે. સમય હતો છતાં કોઇ નવું ઇન્ફાસ્ટ્રક્ચર ના ઊભું કરી શક્યા. ગુજરાત આજે રામ ભરોસે જીવી રહ્યું છે. હોસ્પિટલ પાસે બેડ નથી, સ્ટાફ નથી. ઇન્જેક્શન ગુજરાતમાં બને છે છતાં અછત ઊભી થાય એ માનવામાં આવતું નથી. 27 લાખ ઇન્જેક્શનનું પ્રોડક્શન થયું તો કેમ દર્દીઓની લાંબી લાઇન લાગી?
સરકારને શ્વેતપત્ર જાહેર કરવાની માગણી
તેમણે કહ્યું, ‘ગુજરાતની જનતા માટે ઇન્જેક્શન વલખાં મારી રહી છે અને છતાં યુપી સહિત અન્ય રાજ્યમાં ઇન્જેક્શન મોકલવામા આવ્યાં. હોસ્પિટલમાં ઓક્સિજનની પણ કાળાં બજાર ચાલી રહ્યાં છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ મારફત તપાસ કરવો.’ સાથે જ તેમણે આગામી સમયમાં મહામારી ગંભીર બને તો સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે કયા પ્રકારનું આગોતરું આયોજન કરાયું છે એ વિશે લોકોને જાણ કરવા માટે શ્વેતપત્ર બહાર પાડવામાં આવે એવી માગણી કરી છે.