સોમવારે સતત ત્રીજા દિવસે 2.50 લાખથી વધુ નવા દર્દીઓ મળી આવ્યા 1 લાખ 54 હજાર 234 લોકો પણ સાજા થયા હતા.
સોમવારે સતત ત્રીજા દિવસે 2.50 લાખથી વધુ નવા દર્દીઓ મળી આવ્યા હતા. જોકે સારી વાત એ છે કે એમાં રવિવારની તુલનામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 56 હજાર 828 લોકો પોઝિટિવ મળ્યા હતા. રવિવારે 1.75 લાખથી વધુ લોકો પોઝિટિવ જોવા મળ્યા. પ્રથમ વખત રેકોર્ડ 1 લાખ 54 હજાર 234 લોકો પણ સાજા થયા હતા. આ પહેલાં એક દિવસમાં જ સૌથી વધુ 18 એપ્રિલના રોજ, 1.43 લાખ લોકો સાજા થયા હતા.
બીજી તરફ, દુ:ખની વાત એ છે કે સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવનારાઓની સંખ્યા 1.80 લાખને પાર થઈ ગઈ છે. અત્યારસુધી 1 લાખ 80 હજાર 550 લોકોએ જીવ ગુમાવ્યો છે. દરરોજ મૃત્યુના કિસ્સામાં ભારત ફરી એક વખત ટોપ પર પહોંચી ગયું છે. બ્રાઝિલ બીજા નંબરે અને અમેરિકા ત્રીજા સ્થાને છે. બ્રાઝિલમાં દરરોજ આશરે 1,500 લોકોનાં મોત થઈ રહ્યાં છે, જ્યારે અમેરિકામાં આ આંકડો 400-600ની વચ્ચે રહે છે. ભારતમાં સોમવારે 1,757 દર્દીનાં મોત થયાં હતાં.
78.37% નવા દર્દીઓ દેશનાં 10 રાજ્યમાં મળ્યા
સોમવારે દેશનાં 10 રાજ્યમાં 78.37% એટલે કે 2.01 લાખથી વધુ દર્દીઓ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 58,924 પોઝિટિવ મળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં 28,211, દિલ્હીમાં 23,686, કર્ણાટકમાં 15,785, કેરળમાં 13,644, છત્તીસગઢમાં 13,834, મધ્યપ્રદેશમાં 12,897, તામિલનાડુમાં 10,941, રાજસ્થાનમાં 11,967, ગુજરાતમાં 11,403 કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.
દેશમાં કોરોના મહામારીના આંકડા
- છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 2.56 લાખ
- છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 1,757
- છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 1.75 લાખ
- અત્યારસુધીમાં કુલ કેસ: 1.53 કરોડ
- અત્યારસુધી સાજા થયા: 1.31 કરોડ
- અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 1.80 લાખ
- હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 20.24 લાખ
યુપીમાં લોકડાઉન કરવાના આદેશને સરકાર પડકારશે
અલાહાબાદ હાઈકોર્ટે સોમવારે મોટો નિર્ણય લીધો હતો. કોર્ટે ઉત્તરપ્રદેશ, લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુરનાં 5 મોટાં શહેરોમાં 26 એપ્રિલ સુધીમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો છે. હવે રાજ્ય સરકારે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું હતું કે તે હાઈકોર્ટમાં પણ પોતાનો જવાબ ફાઇલ કરશે. રાજ્ય સરકાર કહે છે કે તે આ શહેરોમાં સખત કાર્યવાહી કરશે, પરંતુ લોકડાઉન લાદશે નહીં, કારણ કે લોકડાઉનથી રોજગારનું સંકટ ઊભું થશે.
કોરોનાં અપડેટ્સ
- દિલ્હીમાં સોમવારે રાત્રે 10 વાગ્યાથી 26 એપ્રિલના રોજ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ સાથેની મુલાકાત બાદ એની જાહેરાત કરી હતી.
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્મા પણ કોરોના પોઝિટિવ બન્યા છે. તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- જોહન્સન એન્ડ જોહન્સનને તેના સિંગલ ડોઝ વેક્સિન માટે ભારત પાસેથી ઇમ્પોર્ટ લાઇસન્સ માગ્યું છે. અમેરિકન કંપનીએ ભારત સરકારને ત્રીજા તબક્કાની ટ્રાયલ્સની મંજૂરી આપવા પણ પત્ર લખ્યો છે.
- તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ કોરોના સંક્રમિત થયા છે. તેમને વાયરસનાં હળવાં લક્ષણો છે. ડોક્ટરોએ રાવને આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી છે.
- બિહારના છપરા જિલ્લામાં રિમાન્ડ હોમમાં 38 બાળકો કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંજાબ સરકારે તમામ બાર, સિનેમા, જિમ, સ્પા, સ્વિમિંગ પૂલ, કોચિંગ સેન્ટરો અને સ્પોર્ટ્સ સંકુલને 20 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
- કેરળ સરકારે 20 એપ્રિલથી રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી રાજ્યમાં નાઇટ કર્ફ્યૂની પણ જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન, 20 આવશ્યક સેવાઓને પ્રતિબંધથી મુક્તિ આપવામાં આવી છે.
- બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોહન્સને સતત બીજી વખત તેમનો ભારત પ્રવાસ રદ કર્યો છે. બોરિસ આ અઠવાડિયાના રવિવારથી ચાર દિવસીય ભારત પ્રવાસ પર આવવાના હતા, પરંતુ દિલ્હી સહિત ભારતનાં ઘણાં રાજ્યોમાં વધી રહેલા કોરોના કેસોને કારણે પ્રવાસને રદ કરવામાં આવ્યો છે. આ અગાઉ 26 જાન્યુઆરીએ, બોરિસ પ્રજાસત્તાક દિન પર મુખ્ય અતિથિ તરીકે આવવાના હતા, પરંતુ કોરોનાને કારણે તેમણે તેમની ભારત મુલાકાત રદ કરવી પડી હતી.
- ICMRના ડિરેક્ટર જનરલ (DG) ડો. બલારામ ભાર્ગવે જણાવ્યું હતું કે કોરોનાની આ લહેરમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. જોકે સારી વાત એ છે કે પ્રથમ તબક્કામાં અને આ તબક્કામાં કોરોનાથી મોતની સંખ્યામાં કોઈ તફાવત આવ્યો નથી. ડો.ભાર્ગવે જણાવ્યું હતું કે ગંભીર અને વધુ સમસ્યાઓવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આને કારણે હોસ્પિટલોમાં વધુ ભીડ જોવા મળી રહી છે.
મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ…
1. મહારાષ્ટ્ર
સોમવારે અહીં 58,924 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 52,412 દર્દી સાજા થયા અને 351 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 38.98 લાખ લોકોને સંક્રમણની અસર થઈ છે. તેમાંથી 31.59 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 60,824 મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 6.76 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
2. ઉત્તરપ્રદેશ
સોમવારે 28,211 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 10,978 લોકો સ્વસ્થ થયા અને 167 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 8.79 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.61 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 9,997 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 2.08 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.
3. દિલ્હી
સોમવારે રાજ્યમાં 23,686 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 21,500 લોકો સાજા થયા અને 240 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 9.03 લાખ લોકોને સંકમાં લાગ્યું છે. આમાંથી 7.88 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 12,361 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં 76,887 દર્દી સારવાર લઈ રહ્યા છે.
4. છત્તીસગઢ
સોમવારે રાજ્યમાં 12,345 લોકોને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન 11,815 લોકો સાજા થયા અને 165 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં 1.29 લાખ લોકોની સારવાર ચાલી રહી છે. કુલ 1.13 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 6,083 પર પહોંચી ગયો છે.
5. મધ્યપ્રદેશ
સોમવારે રાજ્યમાં 12,897 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 6,836 લોકો સ્વસ્થ થયા અને 79 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 4.20 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3.41 લાખ લોકો સાજા થયા છે, 4,636 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 74,558 દર્દીની સારવાર ચાલી રહી છે.
6. ગુજરાત
સોમવારે રાજ્યમાં 11,403 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. 4,179 લોકો સાજા થયા અને 117 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 4.15 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 3.41 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5,494 દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં 68,754 દર્દી સારવાર લઈ રહ્યા છે.