જાહેરનામાનો ભંગ કરી બર્થ-ડે ઉજવનાર પાલિકાના પૂર્વ પ્રમુખ સામે ગુનો
આણંદ : આણંદ શહેર સહિત રાજ્યના ૨૦ શહેરોમાં સરકાર દ્વારા કોરોના સંક્રમણ ખાળવા સાંજના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો કરફ્યુ લાદવામાં આવ્યો છે પરંતુ આણંદ પાલિકાના પૂર્વપ્રમુખ વિજય પટેલે સાથીદારો સહિત ૪૦ જેટલા લોકો કરીને રાત્રિના ૧૨ના ટકોરે જાહેરમાં કેક કાપી બર્થ-ડેની ઉજવણી કર્યાનો વિડિયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયા બાદ હરકતમાં આવેલી પોલીસે પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ભાજપના નેતાઓ સામે રાત્રિ કરફ્યૂ ભંગ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.
આણંદ શહેરમાં છેલ્લા મહિનાથી કોરોનાએ અજગરી ભરડો લીધો છે ત્યારે સરકાર દ્વારા પણ કૂદકે ને ભૂસકે વધી રહેલા સંક્રમણને ખાળવા રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે ત્યારે આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય પટેલ માસ્તરના જન્મદિવસની ઉજવણી રાત્રિ કરફ્યુના કડક અમલ વચ્ચે રાત્રે ૧૨ના ટકોરે કરી હોવાનો વિડિયો સોશિયલ મિડીયામાં વાઇરલ થતા શહેર ભરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એટલું જ નહીં સોશિયલ મિડીયામાં વાઇરલ વિડીયોમાં પૂર્વ પ્રમુખ અને સાથીદારો સહિત ૪૦ જેટલા લોકો ફટાકડા ફોડી કેક કાપીને રાત્રિ કરફ્યુ અને કોવિડની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. પાર્ટીમાં પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રજ્ઞોશ પટેલ ઉર્ફે ભયલુ અને શ્વેતલ પટેલ ઉર્ફે મેયર તેમજ અન્ય કાર્યકરો હોદ્દેદારો માસ્ક વગર ફરી સરકારના આદેશોને ઘોળી પીને એકબીજાને કેક ખવડાવી રહ્યા હોવાનું વિડિયોમાં દેખાઈ રહ્યું છે. ત્યારે નાગરિકોના ઉહાપોહ બાદ હરકતમાં આવેલી પોલીસે કાયદાનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસવડાના આદેશ બાદ ટાઉન પોલીસ દ્વારા વર્ષગાંઠની ઉજવણી કરનાર આણંદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ વિજય પટેલ માસ્તર, અન્ય પૂર્વ પ્રમુખ પ્રજ્ઞોશ પટેલ ઉર્ફે ભયલુ તેમજ શ્વેતેલ પટેલ ઉર્ફે મેયર સહિતના લોકો સામે પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ અને રાત્રિ કરફ્યૂના ભંગ બદલ ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.