કોરોના સંક્રમણ વધતા આ રાજ્યમાં આવતીકાલથી પાંચ દિવસનું સંપૂર્ણ લોકડાઉન
દેશમાં કોરોના બેકાબૂ છે. છેલ્લા એક સપ્તાહથી દેશમાં રોજ 3 લાખથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કહેરને ઓછો કરવા માટે દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન (Lockdown) જેવા કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને 2 લાખને પાર કરી ગઈ છે. ત્યારે ગોવામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
ગોવોના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, રાજ્યમાં 29 એપ્રિલ સાંજે 7 કલાકથી 3 મે સવાર સુધી લોકડાઉન રહેશે. જરૂરી સેવાઓ અને ઔદ્યોગિક ગતિવિધિઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. કેસિનો, હોટલ અને પબ બંધ રહેશે. જરૂરી સેવાઓ માટે બોર્ડર ખુલી રહેશે.
નોંધનીય છે કે, દેશમાં કોરોના (coronavirus)ના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત આઠમા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 29 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.