લોકડાઉનનો ભંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી ના શકે
ગુજરાત પોલીસે લોકડાઉન દરમિયાન હજારો વાહનો જપ્ત કર્યા હતા, જેમણે મોટો દંડ ભરીને વાહનો છોડાવી લીધા છે તેમનું શું?: કોર્ટના પ્રશ્ર્નનો સરકાર કે પોલીસ જવાબ ના આપી શકતા રિક્ષાને છોડી દેવા કોર્ટનો હુકમ
મેટ્રોપોલિટન કોર્ટે પોતાના એક આદેશમાં જણાવ્યું છે કે, લોકડાઉનનો ભંગ કરવા બદલ પોલીસ કોઈનું વાહન જપ્ત ના કરી શકે. આ આદેશ સાથે કોર્ટે દરિયાપુર પોલીસ દ્વારા જપ્ત કરાયેલી રિક્ષાને છોડી દેવા પણ આદેશ આપ્યો છે. કોર્ટમાં સરકાર લોકડાઉનના નિયમોમાં વાહન જપ્ત કરવા અંગેની કોઈ જોગવાઈ સરકાર કોર્ટમાં ના બતાવી શકતા આ આદેશ અપાયો હતો.
આ કેસમાં ૨૯ માર્ચ ૨૦૨૦ના રોજ ઝાકિર શેખ નામના એક રિક્ષાચાલકને પોલીસે પ્રેમદરવાજા પાસે અટકાવ્યો હતો. તેની સામે લોકડાઉનનો ભંગ કરવાનો ગુનો દાખલ કરી પોલીસે તેની રિક્ષા મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૦૭ હેઠળ જપ્ત કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે આ પ્રકારે લોકડાઉનમાં હજારો વાહનો જપ્ત કર્યા હતા. જોકે, ત્યારબાદ પોલીસ સ્ટેશનોમાં જગ્યા ખૂટી પડતાં વાહનો છોડવાનું શરુ કરવામાં આવ્યું હતું.
ઝાકીર શેખની રિક્ષા પણ ગયા વર્ષથી પોલીસ સ્ટેશનમાં જ પડી હતી. આ અંગેનો કેસ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.ડી. મોઢની કોર્ટમાં સુનાવણી માટે આવ્યો હતો. કોર્ટે સરકારી વકીલને સવાલ કર્યો હતો કે પોલીસ કલમ ૨૦૭ ક્યારે લગાવી શકે? જવાબમાં સરકારી વકીલ દ્વારા મોટર વ્હીકલ એક્ટની વિવિધ જોગવાઈ રજૂ કરવામાં આવી હતી. જોકે, કલમ ૨૦૭ હેઠળ વાહન ક્યારે જપ્ત કરી શકાય તેનો સ્પષ્ટ જવાબ સરકારી વકીલ નહોતા આપી શક્યા.
કોર્ટે જણાવ્યું હતું કે, કલમ ૧૯૨ (૫) હેઠળ સરકારી અધિકારી નિયમનો ભંગ કરનારા પાસેથી માંડવાળ પેટે દંડ લઈ શકે. જો ગુનો માંડવાળ યોગ્ય ના હોય તો અધિકારી આરસી બુક જપ્ત કરીને વાહનના માલિકને તેની રિસિપ્ટ આપી શકે. કોર્ટે પોલીસને પણ સવાલ કર્યો હતો કે શું લોકડાઉનનો ભંગ કરનારાનું વાહન જપ્ત કરી શકાય? પરંતુ પોલીસ પણ તેનો જવાબ નહોતી આપી શકી. દરિયાપુર પોલીસ તેના માટે કોઈ દસ્તાવેજ કે રેકોર્ડ પણ રજૂ નહોતી કરી શકી.
જેની નોંધ લેતા કોર્ટે જણાવ્યું હતું કે મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૦૭ હેઠળ લોકડાઉનના ભંગના ગુનામાં કાર્યવાહી કરી શકાય નહીં. કોર્ટે દરિયાપુર પોલીસને ઝાકીર શેખની રિક્ષાને પણ તેમને પરત સોંપવા આદેશ કર્યો હતો.