આખરે ટાટા, અંબાણી પછી અદાણી ગ્રુપ પણ આવ્યું મદદે
હાલ કોરોના વિશ્વને હંફાવી રહ્યો છે ત્યારે ભારત અને ગુજરાતની હાલત બદથી બદતર થઈ રહી છે. એમાંય અમદાવાદ પણ બાકાત નથી. ત્યારે જે રીતે એક સાથે કેસ આવી રહ્યા છે તેમની એક સાથે મદદ કરવામાં તંત્ર ક્યાંકને ક્યાંક પહોંચી નથી વળી રહ્યુ ત્યારે અદાણી ગૃપ અમદાવાદમાં સરકારની મદદે આવ્યુ છે.
અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ સંચાલિત અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલ અદાણી વિદ્યામંદિર સંકૂલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવી નાંખવામાં આવી છે અને આ માટે તમામ સવલતો પણ શરૂ કરવામાં આવી રહી છે. અહીં કોરોનાગ્રસ્ત વ્યક્તિ આઈસોલેટ થઈ શકશે અને આરોગ્ય માળખા પર ભારણ ઘટે તેથી જ કોરોના સંક્રમિત પરિવારના સભ્યોની સેફ્ટી માટે આ શરૂ કરવામાં આવ્યુ છે.
શું કહે છે ફાઉન્ડેશન?
“ઝડપથી ફેલાઇ રહેલી આ મહામારીને અંકૂશમાં લેવા સરકાર અને આરોગ્ય સંભાળની સંસ્થાઓ સંસાધનો એકત્ર કરવા મથી રહી હોય ત્યારે અમારે શક્ય તમામ રીતે સહયોગ કરવાનો જ છે અને તે કરીશું જ.” એમ અદાણી ફાઉન્ડેશને કહ્યું હતું. ગૃપના યુધ્ધના ધોરણે આંતરમાળખું ઉભું કરવાના વિશાળ અનુભવને કામે લગાડીને અદાણી વિદ્યા મંદિર ખાતે જરુરિયાતને અનુરુપ માળખું ઉભું કરશું. અમારી શાળાના શિક્ષણ આપતા ખંડોને જીવન ખંડોમાં અર્થાત વિદ્યા-દાનમાંથી જીવન-દાન” માં અમે રુપાંતરિત કરીશું.”
શું શું વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.
અદાણી વિદ્યા મંદિરના કોવિડ કેર સેન્ટર મારફત અદાણી ફાઉન્ડેશન દર્દી માટે પથારીઓ, પોષણયુકત આહાર અને તબીબી સંભાળની વ્યવસ્થા પૂરી પાડશે. રુપાંતરની આ પ્રક્રિયામાં દર્દીઓ અને તબીબી અધિકારી બન્ને માટે રહેવા અને આરામ માટે એકમોની વ્યવસ્થા, શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો ધરાવતા દર્દીઓને મેડિકલ ઓક્સિજન પૂરો પાડવાની ટેકનિકલ સુવિધાઓ ઉભી કરવી, તબીબી પૂરવઠાના પર્યાપ્ત જથ્થાની વ્યવસ્થા અને તબીબી, સંદેશા વ્યવહાર અને મોનિટરીંગ સિસ્ટમ માટે એક અલાયદા રુમની સ્થાપના સામેલ છે. સરકાર, શહેરના વહીવટીતંત્ર અને રાજ્યના આરોગ્ય સત્તાધિકારીઓ દ્વારા જરુરી નોંધણી, રિપોર્ટીંગ અને સલામતીના નીતિ નિયમો સંબંધી કાર્યમાં અદાણીની ટુકડીઓ પણ મૂકવામાં આવશે.
સરકાર સાથે કરી મસલત
CM રુપાણી સાથેની અમારી ચર્ચા દરમિયાન ગૃપ દ્વારા ૩-૪ દિવસમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની પડકારજનક કામગીરી હાથ ધરવામાં આવી હોવાની જાણકારી આપી હતી “એમ અદાણી ફાઉન્ડેશને જણાવ્યું છે. “આ પ્રયાસોમાં ગુજરાત સરકારનો અભિગમ અત્યંત સકારાત્મક અને સહાયરુપ રહ્યો છે. “