સારવારના અભાવે 18 ગામમાં 63 શંકાસ્પદ મોત થયા, આ નગ્ન સત્ય છે : MLA સુખરામ રાઠવા
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવાએ તેમના મતવિસ્તારના 18 ગામોમાં 63 લોકોના શંકાસ્પદ મૃત્યુ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે અને તાત્કાલિક ઓક્સિજન અને વેન્ટિલેટેરની સુવિધાવાળુ કોવિડ સેન્ટર શરૂ કરવા માગ કરી છે.
અગાઉ આરોગ્ય મંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો હતો
પાવી જેતપુરના કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવાએ CM રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા મથકે ઓક્સિજન સિલિન્ડર તથા વેન્ટિલેટર સાથેના બેડવાળી સગવડતા તાત્કાલિક ઉભી કરવાની જરૂર છે. અગાઉ આ બાબતે આરોગ્ય મંત્રી નીતિન પટેલને પત્ર લખી તાલુકા મથકે કોવિડ સેન્ટર ઉભુ કરવા રજૂઆત કરી હતી.
દર્દીઓ સારવારના અભાવે મોતને ભેટે છે, જે નગ્ન સત્ય છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે, અમારા ગામડાના માણસો નજીકના દવાખાને સગવડતા મેળવવા જાય છે. તબિયત બગડે તો બોડેલી અને છોટાઉદેપુર લઇ જાય છે, પરંતુ, બોડેલી કે છોટાઉદેપુર ગયા પછી પણ બેડ ન મળવાને કારણે ન છૂટકે પોતાના ગામ પરત ફરે છે અને દર્દીઓ સારવારના અભાવે મોતને ભેટે છે, જે નગ્ન સત્ય છે. આવી કેટલીક ઘટના મારા ધ્યાને આવેલ છે. જેમાં 18 ગામમાં 63 લોકોના મોત થયા છે.
તાત્કાલિક કવાંટ તાલુકા મથક ખાતે સરકારી કોવિડ સેન્ટર શરૂ કરવા માગ કરી
આ જાત માહિતી પ્રમાણે થયેલા મોતની યાદી મળી છે, એ સિવાયના ઘણા બધા ગામોમાં કોરોનાને કારણે તેમજ આદિવાસીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે અન્ય દવાખાનામાં નહીં લઇ જઇ શકવાના કારણે ઘણા બધા મોત થયા છે. આ બાબતની તપાસ તલાટી, આંગણવાડી સંચાલક, આશા વર્કર મારફતે સર્વે કરાવી અને સાચુ કારણ જાણીને તાત્કાલિક કવાંટ તાલુકા મથક ખાતે સરકારી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે તે માટે પગલા લેવા પુનઃ માગણી કરું છું.