સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઝાટકી, કહ્યું 100% વેક્સીનનો જથ્થો કેમ નથી ખરીદતા?
દેશમાં કોરોના સંક્રમણ ના વધી રહેલા કેસોની વચ્ચે સુપ્રીમ કોર્ટ એ પૂછ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો નિરક્ષરોને વેક્સીન રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશે જેમની પાસે ઇન્ટરનેટ નથી. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, ‘રાષ્ટ્રીય રસીકરણ નીતિ’ નું પાલન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે તેઓ COVID-19 વેક્સીનના 100 ટકા ડોઝ કેમ પોતે નથી ખરીદતાં.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોવિડ-19 પર સૂચનાના પ્રસાર પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ. સુપ્રીમે કહ્યું કે કોવિડ-19 સંબંધી સૂચના પર પ્રતિબંધ કોર્ટનો અનાદર માનવામાં આવશે અને આ સંબંધમાં પોલીસ મહાનિદેશકોને નિર્દેશ જાહેર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, સૂચનાઓનો મુક્ત પ્રવાહ હોવો જોઈએ. આપણે નાગરિકોનો અવાજ સાંભળવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે કોવિડ-19ને ધ્યાને લઈ સ્વતઃ સંજ્ઞાન હેઠળ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આ વિશે કોઈ પૂર્વાગ્રહ ન હોવો જોઈએ કે નાગરિકો દ્વારા ઇન્ટરનેટ પર કરવામાં આવી રહેલી ફરિયાદો ખોટી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ત્યાં સુધી કે ડૉક્ટરો અને સ્વાસ્થ્યકર્મીને પણ હૉસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. કોર્ટે કહ્યું કે સ્થિતિ ખરાબ છે.
કોર્ટે કહ્યું કે, કેન્દ્રને રાષ્ટ્રીય રસીકરણ મોડલ અપનાવવું જોઈએ, કારણ કે ગરીબ રસીની કિંમત ચૂકવવામાં સક્ષમ નહીં હોય. કોર્ટે કહ્યું કે, અમે એ વાતથી સહમત છીએ કે ગત 70 વર્ષ દરમિયાન વારસામાં જે આપણને સ્વાસ્થ્ય સેવાઓ મળી, તે પૂરતી નથી.