ગુજરાતના ગામડાઓમાં કોરોના બેકાબુ થતાં દરેક ગામમાં આઈસોલેશન સેન્ટર બનાવવા નિર્ણય
સમગ્ર રાજ્યમાં શહેરી વિસ્તારની સાથે સાથે આ વખતે ગ્રામ્યવિસ્તારમાં પણ કોરોનાનો ચેપ ખુબ જ ઝડપથી ફેલાયો છે એટલુ જ નહીં, ગ્રામ્યવિસ્તારમાં કેસનો ગ્રાફ સતત ઉંચો રહેવાને કારણે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા ગઇકાલે કેટલીક સુચનાઓ આપી હતી. જેને પગલે હવે ગાંધીનગર જિલ્લાના દરેક ગામોમાં આઇસોલેશન સેન્ટર ઉભુ કરવા માટે જિલ્લાકક્ષાએથી ગ્રામ પંચાયતોને આદેશ આપવામાં આવ્યા છે જેમાં ગામના પોઝિટિવ દર્દીઓને રાખીને ચેપ ફેલાતો અટકાવવાના પગલાં ભરવા માટે તલાટી-સરપંચને કરવા આદેશ છુટયા છે.
કોરોનાની આ લહેરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી પણ સંખ્યાબંધ કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે. વાયરસની અજ્ઞાનતા અને સ્થાનિક કક્ષાની બેદરકારીના કારણે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ખુબ જ ફેલાયો છે. એટલું જ નહીં ગામડાઓમાં આ કોરોના શહેર કરતાં વધુ જીવલેણ થઇ રહ્યો છે. ત્યારે ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ શહેરી વિસ્તારોમાં આંશિક લોકડાઉનની જાહેર કરી ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વધતાં જતાં સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જરૃરી પગલાં ભરવા માટે જિલ્લા પંચાયતો સહિત સંબંધિત તંત્રને સુચના આપી હતી. જેના પગલે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શાલીની દુહાન દ્વારા આજે ચારેય તાલુકાના વિકાસ અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં તબક્કાવાર રેપીડ ટેસ્ટીંગ વધુ થાય અને પોઝિટિવ દર્દીઓને અલગ તારવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગામડાઓમાં આઇસોલેશન સેન્ટર શરૃ કરવા બાબતે પણ તાલુકા વિકાસ અધિકારીઓને પણ સુચના આપવામાં આવી હતી.