આરોગ્યગાંધીનગરગુજરાત

ધારાસભ્યો પોતાની સંપૂર્ણ ગ્રાન્ટ આરોગ્ય સાધનો-ખરીદી માટે વાપરી શકશે

ગાંધીનગર :

વિશ્વવ્યાપી મહામારી કોરોના કોવિડ-19ના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોશ્રીઓએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ. પ૦ લાખની રકમ ફરજિયાત ફાળવવાની રહેશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ-કોવિડ-19ના સંક્રમણ નિયંત્રણ તથા સારવાર-સુશ્રુષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાંઓને વધુ સઘન અને વ્યાપક બનાવવાના જનહિત આરોગ્યલક્ષી અભિગમથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, આ હેતુસર ધારાસભ્યો જરૂરિયાત મુજબ પોતાની સંપૂર્ણ MLA ગ્રાન્ટનો ઉપયોગ પણ કરી શકશે.

શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં થયેલા નિર્ણય અનુસાર રાજ્યના જનપ્રતિનિધિઓએ આ રકમમાંથી સિવિલ હોસ્પિટલો, અન્ય સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકા સંચાલિત હોસ્પિટલો દવાખાનાઓમાં કોરોના-19ની પ્રવર્તમાન સ્થિતીમાં તેની સારવાર-નિયંત્રણના અદ્યતન સાધનો-મશીનો ખરીદવા માટે ઓછામાં ઓછા રૂ. પ૦ લાખ ફરજિયાત ફાળવવાના રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, અગાઉ ધારાસભ્યો પોતાની આવી ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મત ક્ષેત્રમાં આરોગ્ય સાધનોની ખરીદી માટે કરતા હતા તે હવે, પ્રવર્તમાન કોવિડ-19 ની સ્થિતીમાં પોતાના જિલ્લાની સિવિલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ માટે પણ કરી શકશે. એટલું જ નહિ, ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ જે સેવાભાવથી અને નહિ નફો નહિ નુકશાનના ધોરણે ચાલતી હોય તેવી હોસ્પિટલો માટે પણ કોવિડ-19ની સ્થિતીમાં રૂ. પ૦ લાખની મર્યાદામાં ટ્રસ્ટના ફાળા વિના ધારાસભ્યશ્રીઓની ગ્રાન્ટમાંથી અદ્યતન સાધન-સામગ્રીની ખરીદી થઇ શકશે.

મુખ્યમંત્રીશ્રીએ એવો ઉદાત્ત અભિગમ પણ અપનાવ્યો છે કે, સરકારી-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંચાલિત હોસ્પિટલ-દવાખાનાની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને આ જરૂરિયાત અનુસાર ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ફાળવવાની થતી રકમ માટે કોઇ પણ રકમની મર્યાદા લાગુ પડશે નહી.

ધારાસભ્યશ્રીઓની ઓછામાં ઓછી રૂ. પ૦ લાખની આ ગ્રાન્ટમાંથી જે સાધન-સામગ્રી કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અને સારવાર માટે ખરીદી શકાશે તેમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર- ૧૦ લીટર, હાઈ ફ્લો ઓક્સિજન થેરાપી ડિવાઇસ, બાઇ-પેપ મશીન, મલ્ટી પેરા મોનિટર, સિરિંજ ઇન્ફ્યુઝન પમ્પ(૧૦,ર૦,પ૦ એમ.એલ), લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક (૬૦૦૦ લીટર) અને પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પશન -પી.એસ.એ. ઓક્સિજન જનરેશન યુનિટ (૨૫૦ અને ૫૦૦ લીટર)નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે સુચવ્યું છે કે, આ MLA ગ્રાન્ટની જોગવાઇઓ કોવિડ-19 ની વિશિષ્ટ પરિસ્થિતીમાં માત્ર વર્ષ ર૦ર૧-રર માટે મંજુર કરવામાં આવતા કામોને જ લાગુ પડશે.

આ ઉપરાંત આવા કામોના અમલીકરણ-ખરીદી માટે નિયત અમલીરણ કચેરીઓએ તેમના સંબંધિત વિભાગના પ્રવર્તમાન નીતિ-નિયોનું પાલન કરવાનું રહેશે.

ધારાસભ્ય ફંડમાંથી કામો મંજુર કરી તેના અમલીકરણ બાબતે રાજ્ય સરકારની અન્ય પ્રવર્તમાન જોગવાઇઓ યથાવત રાખવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની આ કોર કમિટિની બેઠકમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવશ્રીઓ સર્વ શ્રી પંકજકુમાર, ડૉ. રાજીવકુમાર ગુપ્તા, શ્રી એમ. કે. દાસ અને આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ સહિત વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x