સુપ્રીમ કોર્ટે દેશની જેલોમાં રહેલા કેદીઓને લઈને કર્યો મોટો આદેશ
કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે (Supreme Court) જેલમાં બંધ ખાસ કેદીઓને 90 દિવસ માટે પેરોલ પર છોડવાનો આદેશ આપ્યો છે. જેથી જેલમાં કેદીઓની સંખ્યા ઓછી થશે. 90 દિવસ પછી બધા કેદી જેલમાં પાછા આવી જશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં બધા રાજ્યોને એક કમિટી ગઠિત કરવા માટે કહ્યું છે. કમિટી નક્કી કરશે કે કયા કેદીને છોડવામાં આવે અને કોને નહીં. નાના ગુનામાં બંધ કેદીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
દેશમાં કોરોના વાયરસના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. એક્સપર્ટ્સ પણ બીજી લહેરની પીક આવવાની ચેતવણી આપી રહ્યા છે. આ દરમિયાન કોવિડ-19ના કેસમાં અભૂતપૂર્વ વૃદ્ધિ પર સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે શનિવારે જેલમાંથી ભીડ ઓછી કરવાનો નિર્દેશ આપ્યો છે. ખાસ વાત એ છે કે ગત વર્ષે પણ કેટલાક કેદીઓને છોડવામાં આવ્યા હતા. કોર્ટે આદેશ જાહેર કરતા કહ્યું કે જે કેદીઓને ગત વર્ષે મહામારીના કારણે જામીન કે પેરોલ આપવામાં આવી હતી તે બધાને ફરીથી તે સુવિધા આપવામાં આવે.
પ્રધાન ન્યાયાધીશ એન વી રમણ, ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતની એક બેન્ચે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ પર બનાવવામાં આવેલી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિઓ દ્વારા ગત વર્ષે માર્ચમાં જે કેદીઓને જામીનની મંજૂરી આપવામાં આવી હતી તે બધાને સમિતિઓ દ્વારા પુર્નવિચાર કર્યા વગર ફરીથી રાહત આપવામાં આવે. જેથી વિલંબથી બચી શકાય.