ગુજરાત

ગુજરાતમાં બીજી લહેરમાં ફેલ રહેલી સરકારે ત્રીજી લહેર રોકવા માટે કમર કસી

કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં વ્યાપક જાનહાનિ તથા ઓક્સિજન, બેડ સહિતની આરોગ્ય સેવાઓની અછતને કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિમાંથી બોધપાઠ લેતા રાજ્ય સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા તૈયારીઓ શરૂ કરી છે. કોરોના પર અંકુશ મેળવવા માટે રચાયેલી ટાસ્ક ફોર્સની સોમવારે મળેલી બેઠકમાં સરકારે આ અંગે ચર્ચા કરી હતી. ચર્ચાના આધારે ત્રણ દિવસમાં તૈયાર થયેલા અહેવાલને આધારે સરકાર ત્રીજી લહેર અંગેનો એક્શન પ્લાન ઘડી કાઢશે. આ તૈયારી અન્વયે તમામ સંસાધનો અત્યારથી જ ઊભાં કરવા માટેનો ખર્ચ અને કાર્યાન્વયન નહીં થાય, પરંતુ તાકીદના સમયે ખૂબ ઓછાં સમયગાળામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે પ્રકારે યોજના બનાવાઇ છે, તેવું ગુજરાત સરકારના સૂત્રો જણાવે છે.

ત્રીજી લહેર દરમિયાન સંક્રમણમાં વધારો થાય તો એ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં સવાથી દોઢ લાખ જેટલી પથારીઓ અને હોસ્પિટલો તૈયાર થઇ શકે તેવી યોજના બનાવાઇ છે. આ માટે મોટા સરકારી મકાનોમાં હંગામી હોસ્પિટલો ઊભી કરાશે તથા કેસની સંખ્યા મુજબ ખાનગી હોસ્પિટલો સાથે કરાર થશે તથા ક્વોરેન્ટાઇન સેન્ટરોની સંખ્યા વધારાશે. આયોજન અનુસાર ઉપલબ્ધ ક્ષમતાના 80 ટકા સુધી પથારી ભરાય ત્યાં સુધીમાં બીજી એટલી જ પથારીઓ નવી ઉપલબ્ધ બની જાય એ‌વી વ્યવસ્થા કરાશે.

ગુજરાતમાં ઓક્સિજન માટે કાયમી ધોરણે 700 ટનનો એક અનામત જથ્થો એટલે કે રિઝર્વ ઊભો કરાશે, જે ઇમરજન્સીના સમયમાં ઉપયોગમાં લેવાશે. હાલ તાત્કાલિક આ રિઝર્વ બનાવવાનો નથી, કારણ કે ગુજરાતમાં હાલ ઓક્સિજનની માંગ વધુ છે. પરંતુ કેસ ઓછા થયા પછી આ યોજના પર કામ થશે. ઓક્સિજનની કુલ ક્ષમતા ઉપરાંતનો આ જથ્થો હશે.

વેન્ટિલેટર્સથી માંડીને અન્ય મશીનરી તથા ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો જરૂરીયાતના સમયે ઉપલબ્ધ બની રહે તે માટે સરકાર એક નવી યોજના બનાવશે અને તે માટે અધિકારીઓ ઉપરાંત સપ્લાય ચેનના નિષ્ણાતોની સેવા લેવાશે. જેથી કોઇ સ્થળે આ પૈકીનું કાંઇ ખૂટે અથવા તેની તંગી વર્તાય તેવાં સંજોગો ઊભાં ન થાય અને યોગ્ય સમયે તેનો પૂરવઠો મળી રહે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x