પાટનગરમાં કોરોનાનો તાંડવ બાદ મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનની અછત
ગાંધીનગર :
કોરોનાનો તાંડવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ એક સમસ્યા અત્યારે શહેરીજનો સામે ઉભી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે ‘મ્યુકરમાઈકોસીસ’ નામની ફૂગ પ્રકારની બીમારીએ માથું ઊંચક્યું છે. કાન, આંખ અને નાક વાટે શરીરમાં પ્રવેશતી આ ફૂગ દર્દીનો આખો ચહેરો તો બગાડી જ નાખે જ સાથે સાથે મટવાનું પણ નામ લેતી ન હોય દર્દીઓ હેરાન થઈ રહ્યા છે.
તબીબો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે ‘મ્યુકર માઈકોસીસ’ને મટાડવા માટે ઉપયોગમાં લેવાતાં ઈન્જેક્શનની પણ હાલ તીવ્ર અછત જોવા મળી રહી છે. કોરોનાની પહેલી લહેર વખતે પણ આ બીમારીના દર્દીઓમાં વધારો થયો હતો પરંતુ બીજી લહેર અત્યંત ખતરનાક હોવાને કારણે દર્દીઓ પણ વધી રહ્યા હોવાથી મ્યુકર માઈકોસીસના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
ગાંધીનગરમાં પણ મ્યુકરમાઈકોસિસ દર્દીઓ માટે તો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે પરંતુ ઇન્જેક્શન પણ નથી મળતા. ગાંધીનગરમાં મ્યુકરમાઈકોસિસના 8 દર્દીઓ દાખલ થયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના 35 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. રોગમાં ઉપયોગી એવા એમ્ફોટિસીરિન B 50 MG ઇન્જેક્શનનો જથ્થો સરકાર તરફથી હજુ મળ્યો જ નથી. ગાંધીનગરમાં મ્યુકરમાઈકોસિસની સારવાર માટે ડૉકટર સહિતની સ્પેશિયલ ટીમ તૈયાર કરાઈ છે.
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ રોગ અવશ્ય મટી શકે છે પરંતુ તેના માટે પૂરતી કાળજી અને યોગ્ય સારવાર અત્યંત જરૂરી બની જાય છે. આ રોગની સારવાર 14થી 60 દિવસની હોય છે. અત્યારે આ રોગ અત્યંત ચિંતાજનક હદે વધી જવા પામ્યો છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
અત્યારે જેટલા પણ દર્દીઓ આવે છે તેઓ કોરોનાગ્રસ્ત હોય છે અથવા તો તેમને કોરોના મટી ગયો છે. કોરોના થયા બાદ શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી આ રોગ થવાની શકયાતા રહેતી હોય છે. આ બીમારી ચેપી નથી પરંતુ તેનાથી દર્દીને જે સમસ્યા થાય છે તે હચમચાવી દેનાર છે. આ એક પ્રકારનું ફંગલ ઈન્ફેકશન છે. જેમાં દર્દીને માથું દુખવાથી લઈ આંખ કાઢવા સુધીની તકલીફ થઈ શકે છે.
મ્યુકરમાઇકોસિસની સારવાર અતિ ખર્ચાળ છે. રોજના 7 ઇન્જેક્શન 28 દિવસ સુધી લેવા પડે છે. એક ઈન્જેકશન 6000 નું હોય છે. ટોટલ કોર્સ 12 લાખનો થાય છે.