વિધાનસભામાં વિરોધ પક્ષ આક્રમક: AAP અને કોંગ્રેસના ધારાસભ્યોની સીએમ સમક્ષ રજૂઆત, ખોટા કેસોનો મુદ્દો ઉઠાવ્યો
અમદાવાદ: આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ધારાસભ્યોએ બુધવારે (૧૦ સપ્ટેમ્બરે) વિધાનસભા સત્રના અંતિમ દિવસે મુખ્યમંત્રીને મળીને વિરોધ પક્ષના ધારાસભ્યો સામે ખોટા કેસો અને ગેરબંધારણીય વર્તનની ફરિયાદ કરી હતી. આ રજૂઆતમાં ખાસ કરીને ધારાસભ્ય ચૈતર વસાવા સામેના કેસોનો મુદ્દો ઉઠાવાયો હતો.
આ મામલે મીડિયા સાથે વાત કરતાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, “ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારો અને યુવાનોના પ્રશ્નોને સક્રિયપણે ઉઠાવી રહ્યા છે. તેમના વધતા પ્રભાવને રોકવા માટે જ સરકારે તેમના પર ખોટા કેસ કર્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ.” તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, વિસાવદર અને પાટણમાં પણ પોલીસ અને ચીફ ઓફિસરો દ્વારા AAP ધારાસભ્યો સાથે ગેરબંધારણીય વર્તન કરવામાં આવ્યું છે.
ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર તાનાશાહીનો આરોપ લગાવતા કહ્યું કે, ભાજપના નેતાઓ સત્તાના જોરે વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ સફળ થશે નહીં. તેમણે કાશ્મીરમાં પણ AAP ધારાસભ્યની ખોટા કેસમાં થયેલી ધરપકડનો ઉલ્લેખ કર્યો અને ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ લોકો માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે.