ગુજરાત સરકાર પર દેવાનો બોજ વધ્યો, CAG રિપોર્ટ
ગુજરાત સરકારના નાણાકીય મેનેજમેન્ટ અંગે કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અહેવાલમાં અનેક ગંભીર ખામીઓ અને નબળાઈઓ સામે આવી છે. આ રિપોર્ટમાં ગુજરાત સરકારનું નાણાકીય વ્યવસ્થાપન નબળું હોવાનું જણાયું છે, જેના કારણે બજેટનું આયોજન, ખર્ચ અને હિસાબોની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે.
CAG રિપોર્ટ મુજબ, ૨૦૨૩-૨૪ના વર્ષમાં ગુજરાત સરકારની કુલ મહેસૂલી આવક ₹૨,૨૨,૭૬૩ કરોડ હતી, જ્યારે કુલ ખર્ચ ₹૨,૪૭,૬૩૨ કરોડ થયો હતો. આ દર્શાવે છે કે આવક કરતાં ખર્ચ નોંધપાત્ર રીતે વધારે હતો. ઉપરાંત, સરકારે બજેટમાં ₹૭૪૭૯.૬૪ કરોડની જે પુરાંત દર્શાવી હતી, તે વાસ્તવિક પુરાંત કરતાં વધુ હતી, જ્યારે હકીકતમાં ₹૭૪૮૩.૨૮ કરોડની ખાધ હતી. આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે ગુજરાત સરકારે કોન્સોલિડેટેડ સિન્કિંગ ફંડમાં ઓછું યોગદાન આપ્યું છે અને શ્રમિકોના કલ્યાણ માટે બિલ્ડરો પાસેથી વસૂલવામાં આવેલા લેબર સેસનો યોગ્ય ઉપયોગ પણ થયો નથી.
રિપોર્ટમાં ગુજરાત સરકારની હિસાબી પદ્ધતિમાં અનેક ખામીઓ હોવાનું જણાવાયું છે. ₹૧૧,૮૬૯.૧૭ કરોડની ગ્રાન્ટના સર્ટિફિકેટ વપરાયા વિના જ રહી ગયા હતા. આ ઉપરાંત, બજેટનો ₹૪૫,૧૫૪.૫૮ કરોડનો મોટો ભાગ વણવપરાયેલો પડ્યો રહ્યો હતો, જે બજેટના નબળા આયોજનને દર્શાવે છે. સરકારે લીધેલી લોન પર ૬.૭૫% વ્યાજ ચૂકવવું પડ્યું હતું, જ્યારે રોકાણ પર માત્ર ૦.૫૬% જેટલું નજીવું વળતર મળ્યું હતું. કોરોનાકાળ દરમિયાન પણ દેવાનો બોજ વધીને ૨૧.૫૭% થયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે, જે રાજ્યની નાણાકીય સ્થિતિને જોખમી બનાવે છે.