વાવાઝોડાથી જિલ્લામાં બાજરી-ડાંગર સહિતના તમામ પાકને નુકશાન
ગાંધીનગર:
પહેલાં તૌકતે વાવાઝોડાની અસર અને ત્યારબાદ તૌકતે વાવાઝોડું ત્રાટકતાં ગાંધીનગર જિલ્લામાં સતત ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું. ઉનાળું પાક હાલ ઉભો છે તેવી સ્થિતિમાં પવન સાથે વરસાદ ત્યારબાદ વાવાઝોડું ત્રાટકતાં ગાંધીનગર જિલ્લાની ખેતીવાડીને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. બાજરી અને ડાંગરના ઉભા પાક નમી ગયાં છે તો બાગાયતી ખેતી એટલે કે ફળની વાડીઓને પણ નુકશાન થયું છે. કેરીઓ ખરી પડી છે જ્યારે ચીકું, કેળ અને પપૈયાના ઘણા ઝાડ પડી ગયાં છે. જેના કારણે ખેડૂતો પાયમાલ થયાં છે.
તૌકતે વાવાઝોડું દરિયાકાંઠાથી ૨૦૦ કિલોમીટર દુર હતું ત્યારથી ગાંધીનગરના હવામાનમાં પલટો આવ્યો હતો અને ભરઉનાળે ચોમાસાનો અનુભવ થયો હતો. વાદળો છવાઇ ગયા હતા અને સતત ભેજવાળી આબોહવા વચ્ચે પવનના સુંસવાટા સાથે રવિવાર રાત્રીથી વરસાદી માહોલ છવાયો હતો. સોમવારે પણ ભારે પવન સાથે વરસાદ પડયો હતો જ્યારે મંગળવારે ગાંધીનગરમાં તૌકતે વાવાઝોડું ત્રાટક્યું હતું. ગાંધીનગર જિલ્લામાં વાવાઝોડાથી વૃક્ષો અને ખેતીવાડીને વ્યાપક નુકશાન થયું છે. આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જિલ્લામાં બાજરી, ડાંગર, શાકભાજી અને ઘાસચારા સહિત કુલ ૨૨,૬૦૦ હેક્ટરમાં ઉનાળું વાવેતર કરવામાં આવ્યું હતું. ભારે પવન સાથે વરસાદ અને ત્યારબાદ વાવાઝોડું ત્રાટકતાં આ ખેતીવાડીને વ્યાપક નુકશાન થયું છે. બાજરી કે જે ૫૩૦૦ હેક્ટરમાં ઉભી હતી તે પવન અને વરસાદના કારણે નમી ગઇ છે આવી હાલત ડાંગરમાં થઇ છે. ૧૩ હજાર હેક્ટરમાં ઘાસચારો ખેડૂતોએ વાવ્યો હતો તેમાં પણ નુકશાન છે જ્યારે આ વરસાદથી શાકભાજીના પાકને ફાયદો હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.
તો બીજી બાજુ ફળાઉ પાકને પણ નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. બહિયલ સહિતના વિસ્તારમાં આંબાવાડી ખેડૂતોને હોય છે. આ આંબાવાડીમાં કેરીઓ ટપાટપ પડી ગઇ છે. તો બાગાયત પાકમાં જામફળ, દાંડમ, ચીંકુ, પપૈયા, લીંબુ, ફાલસા પણ ગાંધીનગરમાં લેવામાં આવે છે. આ પૈકી ચીકું, જામફળ, લીંબુ અને પપૈયાના ઘણા ઝાડ વાડીઓમાં પડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેતીવાડી તંત્ર અને બાગાયતી વિભાગ દ્વારા ગ્રામસેવકો મારફતે નુકશાનીનો પ્રાથમિક સર્વે હવે હાથ ધરવામાં આવશે. જો કે હજુ સુધી સરકારે નુકસાની સામેના વળતરની કોઇ જાહેરાત કરી નથી.