આરોગ્યગુજરાત

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાના દર્દીઓમાં 50 ટકાનો ઘટાડો

અમદાવાદ  :

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતકી સાબિત થઈ હતી. આ લહેરમાં ગામડાંમાં વધારે પ્રમાણમાં કોરોના ફેલાયો હતો. હવે આ લહેર ધીમી પડતાં ખાસ કરીને ડૉક્ટરો તથા પેરા મેડિકલ સ્ટાફે હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાના દર્દીઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે શહેરમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 55 ટકા બેડ ખાલી થયાં છે.

ખાનગી હોસ્પિટલોમાં 55 ટકા બેડ ખાલી
ગત 25 એપ્રિલે અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો પાંચ હજારને આંબી ગયો હતો, જે હવે ઘટીને એક હજાર પર આવી ગયો છે. બીજી તરફ શહેરમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહથી એકપણ નવો ઝોન ઉમેરાયો નથી. જ્યારે મોતની સંખ્યા પણ સિંગલ ડિજિટમાં જોવા મળી રહી છે. એક સમયે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવાનાં ફાંફાં હતાં ત્યાં આજે 55 ટકા બેડ ખાલી પડ્યાં છે. 6565 બેડમાંથી 2963 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં વેન્ટિલેટર સાથેનાં 392 ભરાયેલાં છે અને 36 બેડ ખાલી થયાં છે.

1200 બેડની મેડિસિટીમાં જ 594 બેડ ખાલી
એક સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં 108 એમ્બ્યુલન્સની દોઢ કિમી સુધી લાંબી કતારો લાગતી હતી. એમ્બ્યુલન્સનો એટલો ધસારો રહેતો હતો કે બેડના અભાવે દર્દીને એમ્બ્યુલન્સ વાનમાં જ સારવાર આપવી પડતી હતી. છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાના કેસોમાં ઘટાડો નોધાઇ રહ્યો છે. અત્યારે સિવિલ પ્રાંગણમાં 1200 બેડની મેડિસિટીમાં જ 594 બેડ ખાલી પડયાં છે.

અત્યારે 40 ટન ઓક્સિજન વપરાઇ રહ્યો છે
મેડિસિટી ઉપરાંત કિડની ઇન્સ્ટિટયૂટ, યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટયૂટ, કેન્સર રિસર્સ અને મંજુશ્રીમાં કુલ મળીને 2220 બેડ પૈકી 1157 બેડ ખાલી પડ્યાં છે. હાલમાં માત્ર અમુક કિસ્સામાં ગંભીર દર્દીઓ જ આવી રહ્યા છે. સિવિલમાં એક તબક્કે દર્દીઓના ભારણને લીધે રોજ 55-60 ટન ઓક્સિજનનો વપરાશ થતો હતો. અત્યારે 40 ટન ઓક્સિજન વપરાઇ રહ્યો છે. કેસોની સંખ્યામાં ઘટાડો થતાં ઓક્સિજનનો વપરાશ પણ ઘટયો છે.

શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 1,106 નવા કેસ
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડો નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 1100થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1 હજાર 106 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યારસુધી 2 લાખથી વધુ દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે એક મહિના બાદ એક હજારથી ઓછા દર્દી ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં 985 દર્દીએ કોરોનાને માત આપી છે. અગાઉ 22 એપ્રિલે 1 હજાર 39 દર્દીએ કોરોનાને હરાવ્યો હતો, જ્યારે 9 દર્દીનાં મોત થયાં છે અને મૃત્યુઆંક 3 હજાર 264 થયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x