ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોએ મેડિકલ ક્ષેત્રે વધુ 83 લાખની ગ્રાન્ટ ફાળવી
ગાંધીનગર:
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોે પોતાની ગ્રાન્ટ આરોગ્યક્ષેત્રે વાપરી રહ્યા છે ત્યારે આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીના નિર્વાણ દિન નિમિત્તે તમામ કોંગ્રેસી ધારાસભ્યોએ એક સાથે આજે આરોગ્યક્ષેત્રે એમ્બ્યુલન્સ સહિતની સેવા તથા સુવિધા માટે ગ્રાન્ટની ફાળવણી કરી છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના કલોલ, માણસા અને ગાંધીનગર ઉત્તર વિસ્તારના ધારાસભ્યએ કુલ ૮૩ લાખ રૃપિયાની ગ્રાન્ટ વિવિધ આરોગ્ય સેવાઓ પાછળ ફાળવી છે.
આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાંધેજા ખાતે હાજર રહીને જણાવ્યું હતું કે, આજે પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે કોંગ્રેસ દ્વારા કોરોનાની મહામારીમાંથી લોકોને બચાવવા માટે આરોગ્યની સેવાઓ તથા સુવિધાને મજબુત કરવાનો પ્રણ લીધો છે જે અંતર્ગત રાજ્યના ૬૫ કોંગ્રેસી ધારાસભ્યોએ આજે એક જ દિવસમાં ૩૨ કરોડની ગ્રાન્ટ આરોગ્ય સેવાઓ પાછળ ફાળવી છે. જેમાં ૧૦૦થી વધુ એમ્બ્યુલન્સ સરકારી તથા સહકારી હોસ્પિટલોને આપવામાં આવી છે. ત્યારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાએ પોતાની ગ્રાન્ટમાંથી શેઠ શ્રી એન.એન. સાર્વજનિક હોસ્પિટલ એન્ડ શ્રીમતી એસ.જીમેટનિટી હોમ, રાંધેજા ખાતે બે એમ્બ્યુલન્સ માટે રૃપિયા ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ જ હોસ્પિટલ માટે મલ્ટીપેરા મોનીટરના ત્રણ નંગની રૃપિયા ચાર લાખ, એનેસ્થેશીયા ટ્રોલી વીથ વેન્ટીલેટરની છ લાખ રૃપિયા જ્યારે ઓક્સિજન લાઇનની રૃપિયા ચાર લાખ મળી વધુ ૧૪ લાખ રૃપિયા ફાળવ્યા છે. એટલે કે, ડો.સી.જે.ચાવડાએ રાંધેજાની આ હોસ્પિટલને ૨૯ લાખ જેટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવી છે. તો મોટી આદરજમાં એમ્બ્યુલન્સ પેટે ૧૫ લાખ સહિત કુલ ૪૪ લાખ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યએ ફાળવ્યાં છે.
આવી જ રીતે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા પણ રાજીવગાંધીની પુણ્યતિથી નિમિત્તે આરોગ્ય સેવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અગાઉ ગુરુકુળ ખાતે નિર્માણાધીન ઓક્સિજન પ્લાનટ માટે ૩૧ લાખની ગ્રાન્ટ ફાળવ્યા બાદ આજે કલોલ ખાતેની નુરે મોહમદ્દી હોસ્પિટલમાં ૨૨ લાખ રૃપિયા ફાળવ્યા છે. ૪૦ બેડ અને ઓક્સિજન પ્લાન સેટઅપ સાથે ચાર બેકઅપ મશીન, અદ્યતન સામગ્રી સજ્જ એનેસ્થેસીયા ટ્રોલી, ડેન્ટલ ચેર તથા એમ્બ્યુલન્સ વાન આ ગ્રાન્ટમાંથી હોસ્પિટલ ખરીદી શકશે. માણસા તાલુકાના ચાર આરોગ્ય કેન્દ્રમાં સોજા, બાલવા, પુન્ધ્રા અને ઇટાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લેબના સાધનો માટે ૧૭ લાખની ગ્રાન્ટ માણસાના ધારાસભ્ય સુરેશ પટેલે ફાળવી છે.
ઇસનપુર મોટાની હોસ્પિટલને સાંસદે ૨૦ લાખની ગ્રાન્ટ ફાળવી
કોરોનાની મહામારી તેમજ અન્ય બિમારીઓના પગલે દર્દીઓથી દવાખાના ઉભરાયા છે ત્યારે ઘણી હોસ્પિટલોમાં મેડિકલ સાધનોના અભાવે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોમાં સાધનોના અભાવે દર્દીઓને સારવાર માટે અન્ય સ્થળોએ ખસેડવાની નોબત આવતી હતી આમ આ સમસ્યાનું નિરાકરણ આવી શકે તે માટે સાંસદો અને ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારમાં આવેલાં દવાખાનામાં જરૃરી સુવિધા ઉભી કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે તે અંતર્ગત અમદાવાદ પુર્વના સાંસદ હસમુખભાઇ પટેલે સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના નિધિમાંથી રૃપિયા ૨૦ લાખની ગ્રાન્ટ એમ.બી.પટેલ સાર્વજનિક હોસ્પિટલ ઇસનપુર મોટાને ફાળવી છે.પાંચ બાઇપેપ મશીન , પાંચ મલ્ટીપેરા મોનીટર , સિરીજ ઇન્ફ્યુઝન પંપ છ નંગ અને એક વેન્ટીલેટર તથા ઓટીના સાધનો માટે ગ્રાન્ટ ફાળવી છે.