યુનિ.ઓમાં આ વર્ષે પણ મેરિટ બેઝ પ્રમોશનઃ
અમદાવાદ :
કોરોનાને પગલે યુનિવર્સિટીઓમાં યુજી-પીજીની ઈન્ટરમીડિએટ સેમેસ્ટરની પરીક્ષાઓ આ વર્ષે પણ ઓફલાઈન લઈ શકાય તેમ ન હોવાથી રાજ્ય સરકારે યુનિ.ઓમાં યુજીમા સેમ.૨-૪ અને પીજીમાં સેમ.૨માં મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવાનો ઠરાવ કર્યો છે. જે મુજબ હવે આ વર્ષે યુનિ.ઓમાં યુજીમાં માત્ર છેલ્લા સેમેસ્ટર-૬ની અને પીજીમાં છેલ્લા સેમેસ્ટર-૪ની પરીક્ષાઓ જ લેવાશે. સરકારનો આ ઠરાવ રાજ્યની તમામ સરકારી વોકેશનલ યુનિ.ઓ તેમજ સરકારી ટેકનિકલ યનિ. જીટીયુને લાગુ પડશે.જ્યારે મેડિકલ-પેરામેડિકલમાં કોર્સમાં પરીક્ષાઓ લેવાશે.
યુનિ.ઓમાં યુજી-પીજીની સમર સેમેસ્ટર પરીક્ષાઓ એપ્રિલ-મેમાં લેવામા આવે છે ત્યારે કોરોનાને પગલે ગત વર્ષે એપ્રિલ-મેમાં નેશનલ લોકડાઉન કરવામા આવ્યુ હતુ અને ત્યારબાદ પણ કોરોનાના કેસ સતત વધતા જુનમાં પણ યુનિ.ઓની ઓફલાઈન પરીક્ષાઓ લઈ શકાઈ ન હતી.જેને પગલે કેન્દ્ર સરકારના આદેશથી યુજીસીએ કોમન ગાઈડલાઈન જાહેર કરી યુજીમાં સેમેસ્ટર બે અને ચારની તથા પીજીમાં સેમેસ્ટર બેની પરીક્ષાઓ રદ કરી દીધી હતી અને તમામ વિદ્યાર્થીઓને ઈન્ટરલ પરીક્ષાના પરિણામના ૫૦ ટકા અને આગળના સેમેસ્ટરની પરીક્ષાના પરિણામના ૫૦ ટકાના આધારે મેરિટ બેઝ પ્રમોશન આપવા આદેશ કર્યો હતો.આમ ગત વર્ષે યુજી-પીજીમાં છેલ્લા સેમેસ્ટર સિવાયના તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રમોશન આપવામા આવ્યુ હતુ.કોરોનાની પ્રથમ લહેરમાં કેસ ધીમે ધીમે ઓછા થતા અને સ્થિતિ સુધરતા ડિસેમ્બર બાદ જાન્યુઆરીમાં યુજી-પીજીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજો રેગ્યુલર શરૃ કરી કલાસરૃમ શિક્ષણ શરૃ કરાયુ હતુ.પરંતુ માંડ માંડ બે મહિના કોલેજો ચાલે અને પરીક્ષાઓ ઓફલાઈન લેવાય તે પહેલાજ માર્ચમા કોરોનાની બીજી લહેર શરૃ થઈ જતા અને પ્રથમ લહેર કરતા પણ સ્થિતિ વધુ ખરાબ થતા કોલેજો બંધ કરી દેવાઈ હતી.
યુનિ.ઓની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ પણ મોકુફ કરી દેવાઈ તહી અને ઓફલાઈનને બદલે ઓનલાઈન લેવી પડી છે.મહત્વનું છે કે જ્યા વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ જ ઓફલાઈન નથી લઈ શકાઈ ત્યા યુજી-પીજીના લાખો વિદ્યાર્થીઓની સમર સેમેસ્ટર પરીક્ષા ઓફલાઈન ધોરણે લઈ શકાય તેમ નથી.ઉપરાંત તમામ વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા પણ શક્ય નથી. તમામ સરકારી વોકેશનલ યુનિ.ઓના તથા ટેકનિકલ યુનિ.જીટીયુના યુજીના બીજા અને ચોથા સેમેસ્ટરના તથા પીજીના બીજા સેમેસ્ટરના ૯થી૧૦ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ઓનલાઈન મોડમાં લેવી મુશ્કેલ હોય તેમજ તબક્કાવાર પરીક્ષાઓ લેવા જતા જુલાઈ-ઓગસ્ટ આવી જાય તો પણ મુશ્કેલી ઉભી થાય તેમ છે . માત્ર જીટીયુના જ ડિગ્રીના સેમેસ્ટર,૨,૪,અને ૬ તથા ડિપ્લોમાના સેમે.૨ અને ૪ના ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે. ઉપરાંત તાજેતરમા વાવાઝોડાએ પણ વીજ-મોબાઈલ સેવાને નુકશાન પહોંચાડયુ છે. જેને લઈને અંતે રાજ્ય સરકારે તમામ યુનિ.ઓના યુજીના બીજા-ચોથા અને પીજીના ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રમોશન આપવા ઠરાવ કર્યો છે.માત્ર યુજીમાં સેમેસ્ટર ૬ અને પીજીમા સેમેસ્ટર-૪ની જ પરીક્ષા લેવાશે અને તે પણ હાલની સ્થિતિમાં ઓનલાઈન જ લેવી પડે તેમ છે.