18 થી 44 વયના લોકોને ઓનલાઇન રજિસ્ટ્રેશન વગર જ અપાશે હવે કોરોના રસી
Corona :
18 થી 44 વર્ષની વયના લોકોએ હવે કોરોના રસી ડોઝ માટે ઓનલાઇન નોંધણી કરાવવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આદેશ આપ્યો છે કે આ વય જૂથના લોકો રસીકરણ કેન્દ્રો પર પહોંચીને સીધી રસી મેળવી શકશે. જોકે, રસી આપતા પહેલા Cowin.gov.in પર સ્થળ પર નોંધણી કરાશે. આ રીતે, પ્રથમ બુકિંગ વિના પણ, હવે તમે સીધી ઓનસાઇન નોંધણી દ્વારા રસી મેળવી શકો છો.
હકીકતમાં, રસીના સ્લોટ બુક થયા પછી પણ લોકો ત્યાં પહોંચ્યા ન હોવાની ઘટનામાં રસીઓ બગડતા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ અહેવાલોના આધારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત ગ્રામીણ કક્ષાએ ઓનલાઈન બુકિંગ અંગે માહિતી ન હોવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
આરોગ્ય મંત્રાલયે ઓનલાઇન નોંધણી બાબતે બદલ્યો નિર્ણય
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, પ્રક્રિયા ઓનલાઇન થવાના કારણે દિવસના અંતે ઘણી વખત રસીના સ્ટોકનો બગાડ થતો હતો. આનું કારણ એ છે કે ઓનલાઇન નોંધણી લીધા પછી પણ ઘણા લોકો રસી લેવા માટે પહોંચતા ન હતા. જેથી હવે આ સ્થિતિમાં સ્થળ પર લોકોને રસી આપવાની સુવિધાથી રસીનો કચરો પણ ઓછો થશે. ભલે સરકારે એક જ મોબાઇલ નંબર પરથી ચાર લોકોની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની સુવિધા આપી છે, પરંતુ, જે લોકો પાસે ઇન્ટરનેટ અથવા સ્માર્ટફોન નથી તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સુવિધા ફક્ત સરકારી રસી કેન્દ્રોમાં જ મળશે
આવી સ્થિતિમાં, સરકારે હવે 18 થી 44 વર્ષની વયના લોકો માટે ઓનસાઇટ નોંધણી અને એપોઇન્ટમેન્ટની સુવિધા આપવાનું નક્કી કર્યું છે. જો કે, આ સુવિધા ફક્ત સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો પર જ ઉપલબ્ધ રહેશે. હાલમાં ખાનગી રસીકરણ કેન્દ્રો પર આ સુવિધા મળશે નહીં. ખાનગી સંસ્થાઓમાં રસીકરણ માટે હજુ પણ ઓનલાઇન નોંધણી અગાઉથી બુક કરાવી લેવી પડશે. આ સિવાય તે સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર પણ નિર્ભર રહેશે કે તેઓ આ નિર્ણયને લાગુ કરે છે કે નહીં. આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને ઓનસાઇટ નોંધણીની સુવિધાના અમલ માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે કામ કરવા આદેશ આપ્યો છે.