નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ કોરોના સંક્રમિત થયા બાદ સાજા થતાં બાધાઓ પૂર્ણ કરવા શુભ ચિંતકો કામે લાગ્યાં
તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ કોરોના સંક્રમિત થયા બાદ સાત દિવસમાં સ્વસ્થ થઈ જતાં હવે તેમના શુભ ચિંતકો દ્વારા રાખવામાં આવેલી બાધાઓની અંધશ્રદ્ધામાં ફસાઈ ચૂક્યા છે. ગાંધીનગરના બિલ્ડરે માનતા પૂર્ણ કરવા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફ્રુટની આખે આખી ટ્રક ઉભી રાખી ફ્રુટ વિતરણ કર્યું હતું. જ્યારે લવારપુર ગામના સરપંચે નિતીન પટેલના હસ્તે એક હજાર ગાયોને ઘાસચારો ખવડાવવાની પણ બાધા રાખી હોવાનું જાણવા મળ્યું છે.રાજ્યભરમાં છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે રાજ સેવકની ભૂમિકા સુપેરે અદા કરતા રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ કોરોનાની પ્રથમ લહેરમાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ કોરોના સ્થિતિનો તાગ મેળવવા લાગ્યા હતા. જોકે, પ્રથમ લહેરમાં નાયબ મુખ્યમંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યા ન હતા. પરંતુ તાજેતરમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં નાયબ મુખ્યમંત્રી 66 વર્ષની વયે સંક્રમિત થઈ ગયા હતા.
જેમને અમદાવાદની હોસ્પિટલમાં ઘનિષ્ઠ સારવાર અર્થે દાખલ થવાની પણ ફરજ પડી હતી. ત્યારે રાજ્યના શુભ ચિંતકો નાયબ મુખ્યમંત્રીની તબિયતને લઈ ચિંતામાં આવી ગયા હતા. તેઓ જલ્દી સાજા થઈ જાય માટે શુભ ચિંતકોએ શુભેચ્છાઓનો ધોધ પણ વહાવી દીધો હતો. ત્યારે ઘણા લોકોએ નાયબ મુખ્ય મંત્રી જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે વિવિધ બાધાઓ પણ રાખી લીધી હતી.
હવે જયારે નિતીન પટેલ સાત દિવસની ઘનિષ્ઠ સારવાર પછી સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે. ત્યારે તેમના નામની રાખેલી બાધાઓ પૂર્ણ કરવા શુભ ચિંતકો કામે લાગી ગયા છે. જેનાં ભાગરૂપે ગાંધીનગરનાં બિલ્ડર બાબુભાઈ પટેલે દ્વારા બાધા રાખવામાં આવી હતી. તેમણે નિતીન પટેલ સજા થઈ જાય તો એક ટ્રક ભરીને ફ્રુટ સિવિલ હોસ્પિટલ સહિત ગરીબ મજૂર પરિવારમાં વહેંચીને પોતાની બાધા પૂર્ણ કરી હતી.આ અંગે બાબુભાઇએ જણાવ્યું હતું કે, ડેપ્યુટી મિનિસ્ટર નિતીન પટેલ કોરોના મુકત થઇ જાય તે માટે માનતા રાખી હતી. જેઓ સ્વસ્થ થઈ જતાં 70 હજાર રૂપિયામાં આખી ટ્રક ભરીને ફ્રુટ ખરીદ્યા હતા અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિતના આસપાસના વિસ્તારમાં વિતરણ કર્યું હતું. તે સિવાય ત્રણ હજાર પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં નિતીન પટેલને ત્રાજવામાં તોલીને તેમના વજનથી ત્રણ ઘણું વજનનું ફ્રુટ વેચવાની પણ બાધા રાખેલી છે.એજ રીતે લવારપુર ગામના સરપંચ હર્ષદભાઇ પટેલે પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોનાથી મુક્ત થઈ જાય તે માટે ગામમાં આવેલા મંદિર ખાતે એક હજાર ગાયોને લીલો અને સૂકો ઘાસચારો ખવડાવવાની બાધા રાખવામાં આવી છે.આ અંગે હર્ષદભાઇ પટેલે જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે અવારનવાર માનતા રાખતો આવ્યો છું. પાટીદાર સમાજમાં આગો વર્ચસ્વ ધરાવતા નીતિન પટેલ માટે સમાજમાં ખૂબ જ માન છે કોરોના કાળમાં પણ તેમણે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના પ્રજાની સતત સેવા કરી અને તેઓ પણ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. સમગ્ર મંત્રી મંડળમાં સૌથી વધુ લોકો સાથે એકમાત્ર નિતીન પટેલ જ કરી રહ્યા છે અને અરજદારોની સમસ્યાનું સમાધાન લાવવા સત્વરે પગલાં પગલાં પણ ભરી રહ્યા છે. આગામી દિવસોમાં નાયબ મુખ્યમંત્રીને અત્રે બોલાવીને ગામના તોત્રી માતાના મંદિરે તેમને દર્શન કરાવી ને એક હજાર ગાયોને ઘાસચારો ખવડાવવાની બાધા પૂર્ણ કરવાનો છું.