ગુજરાત

ધો.-12ની પરીક્ષા રદ થતાં NEET-JEEની પરીક્ષાની તૈયારીઓ માટે સમય મળ્યો

સરકારે ધો.-12ની બોર્ડ પરીક્ષા રદ કરતા વિદ્યાર્થીઓને રાહત થઇ છે. જોકે ઇજનેરી, મેડિકલ સહિતના ક્ષેત્રમાં પ્રવેશ માટે નીટ અને જેઇઇની પરીક્ષા પાસનું મહત્વ રહેલું છે. માત્ર ક્વોલિફાય થવા માટે પરીક્ષાની તૈયારીમાં સમય બગડતો હોવાથી રદ થઇ તે સારી બાબત હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું છે. કોરોનાની પ્રથમ લહેર નરમ પડતા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ શરૂ કરી હતી. પરંતુ કોરોનાની બીજી લહેરે રાજ્યના શિક્ષણ વિભાગની ગણતરીમાં ગુંચવાડો ઉભો કર્યો હોય તેમ તબક્કાવાર પરીક્ષાઓ રદ કરવાની ફરજ પડી છે.

સૌ પ્રથમ ધોરણ-1થી 9 અને 11ની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશનની જાહેરાત કરી હતી. ત્યારબાદ ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. પરંતુ ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાનો હુંકાર કર્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સીબીએસઇની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.

આથી રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ-12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓના અભિપ્રાય લેવાયા હતા. ઉપરાંત પરીક્ષા રદથી વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારની માનસિક સ્થિતિ ઉભી થશે તે અંગેના મનોવૈજ્ઞાનિકના પણ મંતવ્યો લેવાયા છે. જિલ્લાના ધોરણ-12ના 22100 વિદ્યાર્થીઓને પરીક્ષા રદ થવાથી માનસિક રાહતનો અનુભવ કર્યો છે.

હોશિયાર છાત્રો માનસિક તાણ અનુભવશે
ધોરણ-12ની પરીક્ષા રદ કરવાના નિર્ણય અંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો.ચિંતન સોલંકીને પુછતા જણાવ્યું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓને પરીક્ષા રદ થતાં ખૂશ થશે. પરંતુ હોંશિયાર વિદ્યાર્થીઓએ આખુ વર્ષ મહેનત કર્યા પછી પરીક્ષા નહી આપવાની વાતથી માનસિક હતાશ થશે. મારી મહેનતને સાબિત કરવાની તક જતી રહેશે.

ધોરણ-12 પછી મનપસંદ ફિલ્ડમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા ફળીભૂત નહી થવાથી માનસિક તણાવ અનુભવશે. એડમિશન માટે કેવો સરકાર નિર્ણય લે શે તેમજ માર્કિંગ કે રીતે નક્કી કરે છે તેના ઉપર વધુ મદાર રહે છે. મનોચિકિત્સક ડો.દર્શન પટેલના મતે પરીક્ષાઓ રદ થવાથી આખુ વર્ષ મહેનત કરવાથી માનસિક ગીલ્ટી અનુભવે છે. સ્વભાવ ચિડચિડિયો થઇ જાય, વારંવાર રડવું સહિતની વિદ્યાર્થીઓ ઉપર અસર થઇ શકે છે.

બોર્ડ પરીક્ષાની મહેનત નીટમાં કરવાથી ફાયદો થશે
ઇન્ફોસીટી જુનિયર સાયન્સ કોલેજમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ-12 સાયન્સ બી ગૃપમાં અભ્યાસ કરતા સ્મિત પંડ્યાએ ધોરણ-12ની પરીક્ષા કેન્સલ થવા અંગે પુછતા જણાવ્યું છે કે બોર્ડ પરીક્ષાની મહેનત નીટની પરીક્ષા માટે કરવાથી ફાયદો થશે. માત્ર ક્વોલીફાય થવા માટે એક મહિનો બગડશે નહી. આથી પરીક્ષા રદ કરી તે રાજ્યના શિક્ષણ વિભાગનો યોગ્ય
નિર્ણય છે.

હેલ્થને લઇને પરીક્ષા રદ કરી તે નિર્ણય યોગ્ય
સહજાનંદ સ્કુલ ઓફ એચિવરના ધોરણ-12માં બી-ગૃપમાં અભ્યાસ કરતી આયુષી પટેલને ધોરણ-12ની પરીક્ષા રદ કરવા અંગે પુછતા જણાવ્યું છે કે હેલ્થને લઇને પરીક્ષા રદ કરી તે રાજ્ય સરકારનો સારો નિર્ણય છે. કોરોનાના કેસ વધુ હોવાથી પરીક્ષા માટેની વ્યવસ્થા કરવી કઠીન થાય. સીબીએસઇના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરતા તેઓને સમય વધારે મળે અને રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હોય તો ઓછો સમય મળવાથી અન્યાય થાય. આથી પરીક્ષા રદ કરી તે નિર્ણય સારો છે. જોકે આખું વર્ષ મહેનત કરીને પરીક્ષા રદ થતાં દુ:ખ થાય પરંતુ તેનો લાભ નીટની પરીક્ષામાં મળશે.

OMR પદ્ધતિથી પરીક્ષા લેવી જોઇએ
​​​​​​​પરીક્ષા રદ કરી તે રાજ્ય સરકારનો નિર્ણય સારો છે. પરંતુ 100 ગુણની OMR પદ્ધતિથી પરીક્ષા લેવાથી વધારે સારૂ રહેતું. તેનો ફાયદો વિદ્યાર્થીઓને નીટ કે જેઇઇની પરીક્ષામાં મળતો તેમ ઇન્ફોસીટી જુનિયર સાયન્સ કોલેજના ડાયરેક્ટર વી.વી.વૈષ્ણવે જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x