ધો-12 આર્ટસ પાસ વિદ્યાર્થીઓને યુનિ.માં બી.કોમમાં પ્રવેશ
સુરત
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ( આર્ટસ )ના સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને બે સેમેસ્ટરમાં બ્રિજ કોર્સ કરવાની શરતે બી.કોમમાં પ્રવેશ આપવાની આજે એકેડમીક કાઉન્સીલે લીલીઝંડી આપતા હવે આર્ટસના વિદ્યાર્થીઓ પણ બી.કોમ કરી શકશે.
નર્મદ યુનિવર્સિટીમાં છેલ્લા બેદિવસમાં બે વખત એકેડમીક કાઉન્સીલની બેઠક મળીને વિદ્યાર્થીઓના હિતમાં ઘણા સારા નિર્ણયો લેવાયા હતા. જેમાં અત્યાર સુધી ધોરણ ૧૨ ( આર્ટસ ) વિષય સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને બી.કોમમાં પ્રવેશ મળતો ના હતો. આથી વિદ્યાર્થીઓએ ફરજિયાત આર્ટસ ફેકલ્ટીમાં જ ભણવુ પડતુ હતુ. પરંતુ આજે મળેલી એકેડમીક કાઉન્સીલની બેઠકમાં હવે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ( આર્ટસ ) સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બી.કોમમાં પ્રવેશ આપવાની મંજુરી એકેડમીક કાઉન્સીલે આપી દીધી હતી. આ મંજુરી બી.કોમમાં પ્રવેશ લીધા બાદ બે સેમેસ્ટરમાં બ્રિજ કોર્સ કરવાની શરતે આપવામાં આવશે. આ બ્રિજ કોર્સમાં વિદ્યાર્થીઓે કોર્મસના મહત્વના ત્રણ વિષયો ઇકોનોમીકસ, સ્ટેટ અને એકાઉન્ટની પરીક્ષા બે સેમેસ્ટરમાં પાસ કરવાની રહેશે. દરેક બ્રિજ કોર્સની પરીક્ષા ૫૦ માર્કસની અને પાર્સિગ સ્ટાન્ડર્ડ એફ.વાય બી.કોમ મુજબ રાખવાનું રહેશે. વિદ્યાર્થીઓએ સ્વઅભ્યાસથી તૈયારી કરી આપવાની રહેશે.
જયારે એકાઉન્ટસીના વિષય અને આંકડાશાસ્ત્ર કે ગણિતશાસ્ત્ર વિષય સાથે ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરી ના હોય તેવા વિદ્યાર્થી માટે બ્રિજ કોર્સ તૈયાર કરવા માટે ત્રણ ત્રણ સભ્યોની કમિટી બનાવાઇ છે.