આજે વિશ્વ પર્યાવરણ દિવસે ગાંધીનગરવાસીઓ પાટનગરને ફરી “હરિયાળું શહેર” બનાવવાનો સંકલ્પ લેશે
ગાંધીનગર :
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પર્યાવરણનું મહત્વ સુપેરે સમજાવી દીધું છે જેના પ્રતાપે હવે મોટી સંખ્યામાં નાગરિકો પર્યાવરણના જતન માટે ગભીર બની રહ્યા છે. એક સમયે સમગ્ર એશિયામાં ગગ્રીનેસ્ટ કેપિટલનું બિરુદ જેને પ્રાપ્ત હતું તેવા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસ કાર્યોના પગલે હરિયાળીનો સોથ વળી રહ્યો હોવાની રાવ ઉઠવા પામી રહી છે. આ સંદર્ભે ગાંધીનગરને ફરી હરિયાળું શહેર બનાવવા અને ગ્રીનેસ્ટ કેપિટલનો દરજ્જો ફરી પાછો અપાવવાના પ્રયાસમાં ભાગીદાર થવાના આશયથી શહેરના પર્યાવરણપ્રેમી યુવાનોની સ્વૈચ્છિક સંસ્થાઓ “પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ” અને “હેપ્પી યુથ ક્લબ”ના સંયુક્ત ઉપક્રમે આવતી કાલે તા.૫મી જૂન “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે પ્રોજેકટ “સેવ ગ્રીન ગાંધીનગર”નો પ્રારંભ કરવામાં આવશે જેમાં જોડાઈને ગાંધીનગરવાસીઓ પોતે નિશ્ચિત કરેલી સંખ્યામાં વૃક્ષારોપણનો સંકલ્પ કરશે અને ગાંધીનગરને ફરી હરિયાળું શહેર બનાવવા પ્રયાસ કરશે.
પ્રોજેકટ “સેવ ગ્રીન ગાંધીનગર”અંતર્ગત આવતીકાલે આયોજકો દ્વારા એક ઓનલાઇન લિન્ક લોન્ચ કરાશે જેમાં વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને પ્રત્યેક ગાંધીનગરવાસીને આ પ્રોજેકટમાં જોડાવા માટે જાહેર આમંત્રણ પાઠવવામા આવશે જેમાં સામેલ થનાર દરેક શહેરીજને તા.૫મી જૂનથી તા. ૩૦મી જૂન સુધી પોતે નિશ્ચિત કરેલી સંખ્યામાં વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવાનો રહેશે. પ્રોજેક્ટ “સેવ ગ્રીન ગાંધીનગર” ફક્ત ગાંધીનગર પૂરતો મર્યાદિત. આ પ્રોજેકટમાં ભાગ લેનારે જેટલાં વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો હોય તેટલા વૃક્ષોના છોડ મેળવવા આયોજકોની મદદ કરશે. સંકલ્પ લેનારે વૃક્ષારોપણ કરવા માટે પોતાની પસંદગીની જગ્યાએ મોડામાં મોડુ તા.30મી જુન સુધીમાં વૃક્ષારોપણ કરીને તેની સાથેનો પોતાનો એક સેલ્ફી પ્રોજેકટ કોઓર્ડિનેટરના મોબાઈલ નંબર પર વ્હોટ્સએપથી પોતાના નામ સાથે મોકલી આપવાનો રહેશે. આ વૃક્ષારોપણનું આયોજકો દ્વારા મૂલ્યાંકન કરી ખરાઈ કરાયા બાદ જો ભાગ લેનારને આગામી તા.૧૨મી જુલાઇ “રથયાત્રા”ના પવિત્ર દિવસે “ઇ-સર્ટિફિકેટ”થી સન્માનિત કરવામાં આવશે. આ પ્રોજેકટમાં વધુ માહિતી માટે પ્રોજેકટ કો-ઓર્ડિનેટર વાઇલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ કલ્પેશ જોશીનો મો. નં. ૯૪૨૭૦૫૧૩૫૨ છે જેના પર સંપર્ક સાધી શકાશે. પ્રોજેકટ “સેવ ગ્રીન ગાંધીનગર”માં ભાગ લેવા માટે આયોજક સંસ્થાઓ “પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ” અથવા “હેપ્પી યુથ ક્લબ”ના ફેસબુક પેજ કે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપેલ લિન્ક ઓપન કરીને સંકલ્પ પત્ર ભરી શકશે તેવું સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયું છે. આ પ્રોજેક્ટને ગાંધીનગર જિલ્લા વન વિભાગ ઉપરાંત શહેરની વિવિધ સંસ્થાઓ જેવી કે ગાંધીનગર શહેર વસાહત મહામંડળ, ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ, “ગાંધીનગર ચમકાવવું છે” ગ્રૂપ, પ્રકૃતિ રક્ષા અભિયાન તેમજ મા એનિમલ ફાઉન્ડેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે.