ગુજરાત

ગુજરાત ભાજપને ચિંતા વધતા બોલાવી આજે બેઠક, પ્રજામાં છબી વધુ સ્વચ્છ કરવા લેવાશે નિર્ણય

ગાંધીનગર :

ગુજરાતમાં ભાજપની છબીને પ્રજાની વચ્ચે વધુ સ્વચ્છ કરવા, ગુજરાત ભાજપ દ્વારા આજે બે મહત્વની બેઠકો યોજાશે. આ બેઠકમાં ગુજરાત વિઘાનસભાની ચૂંટણી પૂર્વે પ્રજામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કામગીરીને લઈને જવા માટેનો એજન્ડા નક્કી કરાશે તો બીજી બાજુ ગુજરાતમાં રાજકિય ક્ષેત્રે આમ આદમી પાર્ટી, ભાજપનો મજબૂત વિકલ્પ ના બને તે માટેની પણ રણનીતિ ઘડી કઢાશે. ગુજરાત ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યોની અલગ અલગ યોજાનારી બેઠકમાં નક્કી કરાશે.

ભાજપના મોવડી મંડળને ચિંતા પેઠી છે કે, આવુ ને આવુ રહ્યું તો ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ધાર્યા પરિણામ નહી મળે. તેથી પાણી પહેલા પાળ બાંધવાના ભાગરૂપે, વિધાનસભાની ચૂંટણીના દોઢ વર્ષ પૂર્વે જ પ્રજાની વચ્ચે જવા માટેનો રોડમેપ તૈયાર કરી દેવાશે. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં, ગુજરાતની જનતાએ ભાજપને 100ની અંદર પહોચાડી દીધુ હતું. જો કે કોંગ્રેસની ટિકીટ ઉપર જીતી જનારાઓને ભાજપમાં લાવીને, ભાજપે ધારાસભ્યની સંખ્યાનો આ આંકડો 100ને પાર કર્યો છે.

છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાની મહામારી દરમિયાન ઘણાબધા કાર્યકર્તાઓની આરોગ્યલક્ષી રજુઆતો અને માંગણીને પૂરતો ન્યાય નથી આપી શકાયો તેના કારણે કાર્યકર્તાઓમાં જે નારાજગી પ્રવર્તી રહી છે તે દુર કરવા ઉપર પણ ભાર મૂકાશે. તો બીજી બાજુ ધારાસભ્યોને તેમની કામગીરીનો હિસાબ પણ પ્રજાની વચ્ચે આપવા માટે કહેવાશે. કાર્યકર્તાઓની નારાજગી વચ્ચે સોશિયલ મીડિયા થકી પ્રજાની વચ્ચે રહેવા અને કહેવા નક્કી કરાશે.

ગુજરાત ભાજપ આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો પણ તૈયાર કરશે. જેમાં કોરોના કાળમાં ભાજપ અને સરકારની અસ્વચ્છ થયેલી છબીને વધુ સ્વચ્છ કરવા ઉપર ભાર મૂકાશે. હાલ રસીકરણની કામગીરીને વધુ વેગવંતી કરીને, ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતા વધુ આગળ હોવાનું પ્રસ્થાપિત કરીને સરકાર લોકો માટે કામ કરી રહી છે તે અંકિત કરશે.

આ ઉપરાંત ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ, શહેરી વિસ્તારમાં શરૂ કરેલ પગપેસારાના કારણે પણ ભાવી રણનીતી નક્કી કરાશે. સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, ભાજપને ભારે ના પડે અને ત્યાથી આમ આદમી પાર્ટીનો વ્યાપ સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં ના વધે તે માટે ચિંતા કરવામાં આવશે. આગામી ચૂંટણી પૂર્વે જ્ઞાતિ જાતીના સમિકરણો પણ પૂરતા ધ્યાને લેવાશે. ખાસ કરીને સામાજીક આગેવાનો ભાજપની સાથે જ છે તે તેવો સંદેશ આપવા માટે વિવિધ કાર્યક્રમોમાં વિવિધ સમાજમાં પકડ ધરાવનારાઓને જાહેર મંચ ઉપર સ્થાન આપવાનુ નક્કી કરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x