પાટીદારોનો પાવર ગુજરાતમાં સત્તા પરિવર્તન કરી શકશે?
એકલા પાટીદાર પાવરથી સત્તા અશક્ય છે. ગુજરાતમાં સરકારમાં ટોચના સ્થાને અથવા સરકારમાં મજબૂતી રહેવા માટે મજબુત ગણાતા પાટીદાર સમાજ પણ રાજકીય પક્ષનો આશરો લેવા માટે મજબૂર છે. આજે સ્થિતિ એવી ઊભી થઈ છે કે રાજકીય અને સામાજિક રીતે મજબૂત ગણાતા પાટીદાર સમાજને પણ મુખ્યમંત્રી પદ માટે ભેગા થવું પડે છે અને જાહેરમાં માંગ કરવી પડે છે. આવી સ્થિતિ શા માટે ઊભી થઈ? શું રાજ્યમાં પાટીદારો એકલા હાથે સરકાર ના બનાવી શકે? ગુજરાત વિધાનસભાની 2022ની ચુંટણીમાં માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપે 2022ની ચુંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારના ચહેરા અંગે તાગ મેળવવાનું શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટી પણ ચુંટણીને ધ્યાને રાખી મોટા પ્રમાણમાં ભરતી કરી રહી છે. આ રાજકીય સ્થિતીમા પાવર બતાવી લાભ ઉઠાવવા પાટીદાર આગેવાનોએ બેઠક કરી. આગામી સમયમાં સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બને તેવી માંગ જાહેરમાં રાખી છે. માંગ બાદ રાજકીય ગતિવિધીઓમાં ઘણી બધી હલચલ જોવા મળી.
છેલ્લા 21 વર્ષમાં માત્ર અઢી વર્ષ જ પાટીદાર CM રહ્યાં
રાજ્યમાં પાટીદાર સમાજ સમૃદ્ધ અને સભ્ય ગણાય છે જેને લઈ દરેક વર્ગ પાટીદાર આગેવાનને હસ્તે મોઢે સ્વીકારી લે છે. એક સમયે કોંગ્રેસ અને ભાજપ જેવા પક્ષોમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ જોવા મળતું હતું. જેથી ધારાસભ્ય, સાંસદ અને મંત્રીમંડળમાં પાટીદાર સમાજનો હિસ્સો લગભગ 50 ટકા જેટલો રહેતો. જો કે કોંગ્રેસના માધવસિંહ સોલંકીની ખામ નીતિ બાદ પાટીદારો ભાજપ તરફ ધસ્યા. કોંગ્રેસના તિરસ્કાર બાદ ભાજપના આવેલા પાટીદારોને હવે ભાજપમાં જ અન્યાય થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કારણકે છેલ્લા 21 વર્ષમાં અઢી વર્ષ માટે એક માત્ર આનંદીબેન પટેલ જ પાટીદાર મુખ્યમંત્રી બની શક્યા છે. એટલે હવે પાટીદારો પોતાની શક્તિ અને વર્ચસ્વ પ્રમાણે મુખ્યમંત્રી પદ માટે માંગ કરી રહ્યા છે.
આંદોલનના કારણે CM અને ગૃહરાજમંત્રી પદ ગુમાવ્યું
2015મા શરૂ થયેલા પાટીદાર આંદોલનને કારણે ભાજપમાં પાટીદાર સમાજની સ્થિતિ નબળી પડી છે તે વાસ્તવિકતા છે. પાટીદાર અનામત આંદોલનને કારણે તત્કાલીન પાટીદાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પાટીદાર ગૃહ રાજ્યમંત્રી રજની પટેલને રાજીનામું આપવું પડ્યું હતું. આંદોલનના કારણે પાટીદારોએ 14 વર્ષ બાદ હાથમાં આવેલા રાજ્ય સરકારના બે મહત્વના પદ ખોવા પડ્યાં. ત્યારથી સ્વાભાવિક પણે પાટીદાર સમાજમાં રાજકીય અસંતોષ હોય. સામાજિક રીતે પાવરફુલ, પૈસા હોવા છતાં મુખ્યમંત્રી પદ સુધીના પહોંચી શકો તો બધું નકામું ગણાય.