ગાંધીનગર : મીના બજારમાં આવેલી મયુર ભજીયાની દુકાન પર ગ્રાહકોની ભીડ જામતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો
ગાંધીનગર :
ગાંધીનગર જૂના સચિવાલયમાં આવેલી ભજીયાની લારી પર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ભંગ સાથે ગ્રાહકોની ભીડ જામી હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સેકટર-7 પોલીસ દ્વારા ભજીયાની દુકાનના માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડતાં અને કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો આવતા સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વેપાર ધંધા ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગાંધીનગરના શાક માર્કેટો, વેપારી સંકુલો સહિતના જાહેર સ્થળોએ નગરજનો ખરીદી તેમજ નાસ્તા કરવા ઉમટી પડવા લાગ્યા છે. પોલીસ દ્વારા ગમે તેટલા દંડા પછાડવામાં આવતા હોવા છતાં ઉત્સાહી લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોને નેવે મૂકીને બિન્દાસ હરીફરી કે વેપાર કરી રહ્યા છે.
કોરોના સંક્રમણ વધવાથી ગાંધીનગરનાં જુના સચિવાલયમાં આવેલા જાણીતી મીના બજારને બંધ કરી દેવામાં આવ્યું હતું. જેનાં કારણે નાના વેપારીઓ ના ધંધા પડી ભાંગ્યા હતા. સચિવાલય પાસે જ જૂના મીના બજાર આવેલું હોવાથી કર્મચારીઓ માટે પણ ચા નાસ્તો કરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી સૂમસાન બનેલું મીના બજાર ખુલતા જ અહીં ખરીદારો તેમજ કર્મચારીઓની ભીડ રાબેતા મુજબ થવા લાગી છે.
મીના બજારમાં અનેક ખાણી પીણી લારીઓ પર નિયમિત ભીડ જામતી રહેતી હોય છે. ત્યારે કોરોના ગાઈડલાઈનના પાલન માટે પોલીસ દ્વારા વારંવાર દંડા પણ પછાડવામાં આવતા રહેતા હોય છે પણ વેપારીઓ તેમજ મુલાકાતીઓ દ્વારા કોરોનાને ભૂલી જઈ છડેચોક નિયમોનો ઉલાળિયો કરવામાં આવતો રહે છે. જ્યારે ગઈકાલે જાગૃત યુવક દ્વારા મીના બજારમાં આવેલી જાણીતી ભજીયાની દુકાન આગળ ગ્રાહકોની ભીડના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાંમાં આવ્યા હતા. ગ્રાહકોની ભીડના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સેકટર-7 પોલીસ દ્વારા મીના બજારમાં ધોંસ બોલાવી દેવામાં આવી હતી. અને વાયરલ થયેલા ભજિયાંની દુકાનના માલિક મનસુખ જાદવભાઈ આરદેસણા (60 વર્ષ, રત્નરાજ રેસિડેન્સી, સરગાસણ) વિરુદ્ધ જાહેરનામા ભંગ અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.