Twitter ની અવળચંડાઇ, IT મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ એક કલાક બ્લોક રાખ્યું
નવા આઈટી નિયમો ન માનનારા Twitter ની અવળચંડાઇઓ હવે વધી ગઈ છે. ટ્વિટર દ્વારા આજે સવારે આઇટી મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad) ના એકાઉન્ટને એક કલાક માટે બ્લોક કરવામાં આવ્યું. ટ્વીટર દ્વારા આનું કારણ આપવામાં આવ્યું હતું કે તેઓએ અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપિરાઇટ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. જો કે બાદમાં ટ્વિટરએ ચેતવણી આપીને રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ ફરીથી ખોલ્યું.
આ અંગે પ્રતિક્રિયા આપતા રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad) એ કહ્યું, ‘મિત્રો! આજે એક ખૂબ જ વિચિત્ર ઘટના બની. Twitter એ એક કલાક માટે મારું એકાઉન્ટ બ્લોક કર્યું.” પ્રસાદે આ માહિતી પહેલા દેશી માઇક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ કુ દ્વારા અને પછી ટ્વિટર દ્વારા પર શેર કરી છે.
કોપિરાઇટ એક્ટના ઉલ્લંઘનનો આરોપ
ટ્વીટર દ્વારા રવિ શંકર પ્રસાદ (Ravi Shankar Prasad) નું એકાઉન્ટ બ્લોક કરવાનું કારણ આપવામાં આવ્યું હતું કે તેઓએ અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપિરાઇટ એક્ટ (DMCA) નું ઉલ્લંઘન કર્યું છે. DMCA એ અમેરિકાનો પિરાઇટ એક્ટ છે. આ કાયદો અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન દ્વારા ઓક્ટોબર 1998 માં લાગુ કરવામાં આવ્યો હતો.
ક્લિન્ટને કહ્યું હતું કે આ કાયદો બનાવવાનો હેતુ કોઈ પણ સામગ્રીને ચોરીથી બચાવવા અને આરોપીઓ દ્વારા ચોરી થાય તો તેની સામે કાર્યવાહી કરવામાં મદદ કરવાનો છે.આ કાયદા અંતર્ગત તમામ પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મ જેવા કે ઓડિઓ, વિડિઓ, ટેક્સ્ટ, સામગ્રી આવે છે.
મોટાભાગના બ્લોગ લેખકો અથવા સામગ્રી નિર્માતાઓ તેમની સામગ્રીને સુરક્ષિત રાખવા માટે આ કાયદોનો ઉપયોગ કરે છે.
જો કોઈ વ્યક્તિ પરવાનગી વિના કોઈની સામગ્રીની નકલ કરે છે, તો તેની ફરિયાદ DMCA હેઠળ કરી શકાય છે.
નવા IT નિયમો અંગે ટ્વીટર-સરકાર વચ્ચે ઘમાસાણ
ભારત સરકારના ટેલીકોમ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે બનાવાયેલા નવા આઈટી નિયમો (New IT Rules) અંગે Twitter અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. આ બાબતમાં ગયા અઠવાડિયે આઇટી મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય સમિતિ સમક્ષ ટ્વિટરના પ્રતિનિધિઓ રજૂ થયા હતા. સમિતિએ કંપનીના અધિકારીઓને પૂછ્યું કે શું તમે દેશના કાયદાનું પાલન કરો છો?
આના પર ટ્વિટરના પ્રતિનિધિઓએ કહ્યું – અમે અમારી પોલીસીનું પાલન કરીએ છીએ, જે (અમારા) દેશના કાયદા અનુસાર છે. આ દલીલ સામે વાંધો ઉઠાવતા સમિતિએ કંપનીને કડક શબ્દોમાં કહ્યું કે ભારતમાં દેશના કાયદાઓ જ સૌથી ઉપર છે, તમારી પોલીસી નહીં.