કોઈપણ વૈકલ્પિક જોડાણ માટે કોંગ્રેસની જરૂર રહેશે: શરદ પવાર
એનસીપીના (NCP) પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે, ભાજપ (BJP) સામેની લડત માટે વૈકલ્પિક મોરચામાં કોંગ્રેસની (Congress) જરૂર પડશે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસને આવા મોરચા માટે છોડી શકાય નહીં. તેમનું નિવેદન દિલ્હી સ્થિત તેમના ઘરે મળેલી બેઠકના થોડા દિવસ બાદ આવ્યું છે.
આ બેઠકમાં એવી અટકળો કરવામાં આવી રહી હતી કે, તે ત્રીજો મોરચો રચવા માટે વિરોધી પક્ષોને એક થવાનો પ્રયાસ છે, જેને ત્યારબાદ હાલની રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે જ આયોજીત કરવામાં આવ્યું હોવાનું કહીને નકારી કાઢવામાં આવી હતી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે કહ્યું કે, રાષ્ટ્રમંચની બેઠકમાં મહાગઠબંધનની ચર્ચા કરવામાં આવી નથી, પરંતુ જો કોઈ વૈકલ્પિક મોરચો બનાવવો હોય તો તે કોંગ્રેસને સાથે લઇને કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમને તે પ્રકારની શક્તિની જરૂર છે. તેમણે કોઈપણ મોરચાને ધ્યાનમાં લેવા ‘સામૂહિક નેતૃત્વ’ કરવાની હાકલ કરી હતી.
દિલ્હીમાં શરદ પવારના ઘરે રાષ્ટ્રમંચની બેઠકને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. તેમાં વિરોધી પક્ષોના નેતાઓએ પણ ભાગ લીધો હતો. પરંતુ કોંગ્રેસના કોઈ નેતા સામેલ થયા ન હતા. જો કે, મીટિંગમાં કોઈ ખાસ પરિણામ આવ્યું નથી. તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી હતી, જે એક મંચ પર સમાન વિચારધાર ધરાવતા પક્ષો અને નેતાઓને લાવવાનું કામ કરશે.
બેઠક બાદ ભારતીય માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા નિલોત્પલ બસુએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નથી, ફક્ત બેકારી, ફુગાવા અને પેટ્રોલિયમ પેદાશોના જંગી વધતા ભાવો અંગે ચર્ચા કરવામાં આવી હતી. નિરીક્ષકોએ કહ્યું કે આ બેઠક નિષ્ફળ ગઈ હતી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મજીદ મેમને કહ્યું હતું કે, શરદ પવારના ઘરે આ બેઠક યોજવામાં આવી હોવા છતાં તેઓએ બેઠક બોલાવી નથી. આ બેઠક યશવંત સિંહાએ બોલાવી હતી. તેમણે કહ્યું હતું કે, એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ ત્રીજા મોરચાની બેઠક છે, પરંતુ તે સાચું નથી. અમે બધા સમાન વિચારધારા ધરાવતા લોકોને બોલાવ્યા હતા અને કોઈપણ પ્રકારનો ભેદભાવ નહોતો.