કોરોના થયો હોવા છતાં ચૂક્યા નહીં ડોકટરનો ધર્મ, જીવના જોખમે દર્દીનો બચાવ્યો જીવ
આજે ડોક્ટર્સ ડે નિમિત્તે સુરતના એક એવા ડોક્ટરની વાત કરવી છે. જેમણે પોતાનો જીવ જોખમમાં મુકીને એક દર્દીનો જીવ બચાવ્યો. એટલું જ નહીં આ માનવીય કાર્ય બાદ તેમને જે હાલાકી પડી છે, તેમ છતાં સારું કામ ના છોડ્યું એવા ડોક્ટરની વાત તમારી સાથે શેર કરવી છે.
સુરતમાં કોરોના જે સમયે પિક પર હતો ત્યારે માત્ર સામાન્ય લોકો જ નહીં ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ કોરોના સંક્રમિત થયા હતા. તેમાંથી એક હતા સુરતના સંકેત મહેતા. ડો. સંકેત એનેસ્થેલોજીસ્ટ તરીકે ફરજ બજાવે છે.
સપ્ટેમ્બર મહિનામાં તેઓ કોરોના સંક્રમિત થયા હતા ત્યારે ફૂલ ઓક્સિજન સપોર્ટ પર હતા. તેમની બાજુના બેડ પર 71 વર્ષીય દર્દી પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. તેમને પણ ઓક્સિજનની જરૂર ઉભી થઇ હતી. ત્યારે ડો.સંકેતે પોતાના જીવની પરવાહ કર્યા વિના પોતાની ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ તે દર્દીનો જીવ બચાવવા આપી દીધી હતી.
આ દરમ્યાન તેઓ પોતે 10 મિનિટ ઓક્સિજન વગર રહ્યા.
તેમના આ માનવીય કાર્યના કારણે પેલા વૃદ્ધ દર્દીનો તો જીવ બચી ગયો. પરંતુ ડો.સંકેત મહેતાની હાલત વધુ બગડી ગઈ. તબિયત વધુ ખરાબ થતા તેમને ક્રિટિકલ કન્ડિશનમાં એર એમ્બ્યુલન્સમાં એર લિફ્ટ કરીને ચેન્નાઇ ખાતે ખસેડવામાં આવ્યા. જ્યાં તેમને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી.
સુરતમાં દોઢ મહિનો સારવાર લીધા બાદ ચેન્નઈમાં પણ તેમની દોઢ મહિનો સારવાર ચાલી. આ મેરેથોન સારવાર બાદ ડો.સંકેત તંદુરસ્ત થઈને સુરત પરત ફર્યા. આમ ડોક્ટર્સ ભગવાનનું બીજુ રૂપ છે એ ડોકટર સંકેતે સાબિત કર્યું હતું.
હવે જ્યારે કોરોનાની લહેર પૂર્ણ થઈ ગઈ છે અને આજે જ્યારે ડોકટર્સ ડે છે. ત્યારે ડો.સંકેત જેવા તમામ તબીબોનો આભાર માનવો રહ્યો જે જીવના જોખમે રાત દિવસ 24 કલાક કોરોના દર્દીઓની સેવામાં રહ્યા છે.